(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : આજે મોડી રાત્રિના લગભગ એકાદ વાગ્યાના અરસામાં મહારાષ્ટ્રના પાલઘર નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ધરતી કંપના આંચકા દાદરા નગર હવેલીના વિવિધ વિસ્તારોમાં પણ અનુભવાયા હોવાની લોકોમાં ચર્ચા થઈ રહી હતી. દાદરાનગર હવેલીના ખેરડી, સુરંગી, વેલુગામ, ખાનવેલ અને આજુબાજુના ગામોમાં અચાનક અનુભવાયેલા ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
સંઘપ્રદેશ ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા પ્રમાણે ભૂકંપનું કેન્દ્રબિન્દુ મહારાષ્ટ્રના પાલઘરથી દસ કિલોમીટરના અંતરે હતું. જેની તીવ્રતા 3.5 રિક્ટર સ્કેલ હતી અને જેની અસર સેલવાસ સહિતના રખોલી, નરોલી, ખેરડી ગામના આજુબાજુના વિસ્તારોમાં પણ અનુભવાઈ હતી. આ અગાઉ પણ થોડા દિવસ પહેલાં મહારાષ્ટ્રમાં ભૂકંપના આંચકાઓ આવ્યા હતા જે દરમિયાન પણ દાનહના કેટલાક ગામોમાં હળવા આંચકા લોકોએ અનુભવ્યા હતા. વારેઘડીએ આવી રહેલ કુદરતી આપત્તિથી લોકોમાં ડરનો માહોલ ફેલાતો જઈ રહ્યો છે.