-
યુવાનો જ દેશને સાચી દિશા આપવા સક્ષમઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ
-
દીવ મલાલા ઓડિટોરિયમ ખાતે ‘માય ભારત મેરા યુવા ભારત’ અન્વયે યોજાયો યુવા સંવાદ કાર્યક્રમ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.04 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ‘દીવ બીચ ગેમ્સ-2024’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત વિભિન્ન કાર્યક્રમોના ભાગરૂપે દીવના મલાલા ઓડિટોરિયમ ખાતે ‘માય ભારત, મેરા યુવા ભારત’ અન્વયે યુવા સંવાદ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રિય માહિતી પ્રસારણ અને રમતગમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુરની અધ્યક્ષતામાં તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલ પટેલ અને દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલની ઉપસ્થિતિમાં નહેરુ યુવા કેન્દ્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાંયુવાનો સાથે સંવાદ સાધવામાં આવ્યો હતો.
દેશના યુવાનો ઊર્જા રાષ્ટ્ર નિર્માણમાં જોડાય અને વિકસિત ભારત-2047ના સ્વપ્નને સાકાર કરવામાં તેમનું યોગદાન આપે તેવું જણાવતા કેન્દ્રીય માહિતી, પ્રસારણ અને રમતગમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે યુવાનોને સશક્ત અને સમૃદ્ધ ભારતના નિર્માણમાં આગળ વધવા અપીલ કરી હતી. સમર્થ યુવા સશક્ત ભારત રચી શકે અને તે માટે રમતગમત ઘણું મહત્વ છે તેમ જણાવી કેન્દ્રીય રમતગમત મંત્રીશ્રીએ પાછલા આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમતગમત ક્ષેત્રે ભારતીય રમતવીરોની સિદ્ધિઓ જણાવી હતી.
‘ખેલો ઇન્ડિયા, ફિટ ઇન્ડિયા અને ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા’નું સૂત્ર આપતા કેન્દ્રીય મંત્રીશ્રીએ યુવાનોને રમતગમતને પોતાના જીવનનો એક ભાગ બનાવવા, સ્વસ્થ રહી નશાથી દૂર રહીને સશક્ત બનવા અપીલ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં પ્રથમ વખત બીચ ગેમ્સનું આયોજન દીવમાં થઈ રહ્યું છે. આ બીચ ગેમ્સ રમતગમતના ક્ષેત્રમાં એક અલગ ક્રાંતિ લાવશે અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંસ્કૃતિ અને પર્યટનને વધારશે.
આ પ્રસંગે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, આપણા યુવાનો જ દેશને સાચી દિશા આપી શકે છે અને આ માટે તેઓએ શરીર અને મનથી સ્વસ્થ રહેવું પડશે. આ રમત જ યુવાનોને ફિટનેસ આપશે. જે માટે જ ‘દીવબીચ ગેમ્સ-2024’નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, મને પૂરો વિશ્વાસ છે કે આનાથી બીચ ગેમ્સની સંસ્કૃતિનો વિકાસ થશે, કેન્દ્ર શાસિત પ્રદેશની રમત પ્રતિભાઓને પ્રોત્સાહન મળશે અને કેન્દ્ર શાસિત પ્રદેશની પ્રવાસન ક્ષમતામાં પણ વધારો થશે. આ ઇવેન્ટ સ્થાનિકો અને પ્રવાસીઓને સમાન રીતે આકર્ષિત કરશે.
આ પ્રસંગે દીવનાં જનપ્રતિનિધિઓ, વરિષ્ઠ વહીવટી અધિકારીઓ, ખેલાડીઓ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં યુવાનોની ઉપસ્થિતિ રહી હતી.