(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.29 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ, કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના યુવા બાબતો અને રમત-ગમત વિભાગ દ્વારા યુવા બાબતો અને રમત-ગમત વિભાગના સચિવ ડૉ. અરુણ ટી. અને રમત-ગમત વિભાગના નિયામક શ્રી અરુણ ગુપ્તાના સહયોગથી અને દમણ અને દીવ પ્રશાસન દ્વારા 68મી રાષ્ટ્રીય શાળાકીય રમત સ્પર્ધામાં ખેલાડીઓની પસંદગી માટે સેલવાસમાં સંઘપ્રદેશ કક્ષાની રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
અત્રે આયોજીત સંઘપ્રદેશ કક્ષાની રમત સ્પર્ધામાં અંડર-17 અને 19 બોયઝ માટે દમણમાં બીચ વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ત્રણેય જિલ્લાના જિલ્લા આંતરશાળા રમત-ગમત સ્પર્ધાના વિજેતાઓ પોતપોતાના જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા જોવા મળ્યા હતા. પસંદગીની સમિતિએ 68મી રાષ્ટ્રીય શાળાકીય રમત સ્પર્ધા માટે સંઘપ્રદેશ કક્ષાની રમત સ્પર્ધામાં ઉચ્ચ કક્ષાનુંપ્રદર્શન દર્શાવનારા ખેલાડીઓની પણ પસંદગી કરી હતી.
દમણમાં યોજાયેલ સંઘપ્રદેશ કક્ષાની અંડર-17 બોયઝની બીચ વૉલીબોલ સ્પર્ધામાં દાદરા નગર હવેલી જિલ્લાની ટીમ વિજેતા બની હતી જ્યારે દમણ જિલ્લાની ટીમ રનર અપ રહી હતી.
અંડર-19 બોયઝની સ્પર્ધામાં દીવ જિલ્લાની ટીમ વિજેતા બની હતી અને રનર અપ દાદરા નગર હવેલીની ટીમ રહી હતી.
સંઘપ્રદેશ કક્ષાની સ્પર્ધાના વિજેતા ખેલાડીઓને ત્રણેય જિલ્લાના વિભાગીય અધિકારીઓ દ્વારા ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધાને સફળ બનાવવા માટે દાદરા નગર હવેલી, દમણ-દીવના ખેલાડીઓના શારીરિક શિક્ષકો અને વિભાગના કર્મચારીઓએ પણ પોતાનું યોગદાન આપ્યું હતું.
