-
શ્રીમદ્ ભાગવત સપ્તાહના અંતિમ ચરણમાં સ્વર્ગીય ડાહ્યાભાઈ વલ્લભભાઈ પટેલના પુણ્ય પ્રતાપથી આજે ઐતિહાસિક 859મી ભાગવત કથા સંપન્ન થઈઃ કથાકાર પ્રફુલભાઈ શુક્લ
-
દમણ-દીવના પૂર્વ સાંસદ સ્વ. ડાહ્યાભાઈ વલ્લભભાઈ પટેલ પરિવાર દ્વારા કથાકાર પ્રફુલભાઈ શુક્લને નવી નક્કોર ફોર્ચુન કાર સ્મૃતિભેટ આપી કરાયું ઋષિ સન્માન ઋષિ સન્માન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.09 : વિશ્વ વિખ્યાત કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલભાઈ શુક્લની દમણ અને દીવના પૂર્વ સાંસદ સ્વ. ડાહ્યાભાઈ પટેલના સ્મરણાર્થે શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવન ખાતે ચાલી રહેલી 859મી ભાગવત કથાને આજે ભાવવિભોર વાતાવરણમાં વિરામ આપવામાં આવ્યો હતો. આ પૂર્વે કથાના મુખ્ય યજમાન શ્રી જીગ્નેશભાઈ ડાહ્યાભાઈ પટેલના નિવાસ સ્થાને ચાલી રહેલભાગવત દશાંશ યજ્ઞની શ્રીફળ હોમીને પુર્ણાહૂતી કરવામાં આવી હતી. આ પ્રસંગે કોળી પટેલ સમાજ ભવનના પ્રમુખ ચંચળબેન ડાહ્યાભાઈ પટેલ, જાગૃતિબેન ડાહ્યાભાઈ પટેલ દ્વારા ભાવ વિભોર થઈ પોથી તેમજ વ્યાસપૂજન કરી કથાકાર શ્રી પ્રફુલભાઈ શુક્લનું સન્માન કર્યું હતું અને દમણ-દીવના પૂર્વ સાંસદ સ્વ. ડાહ્યાભાઈ વલ્લભભાઈ પટેલ પરિવાર દ્વારા કથાકાર શ્રી પ્રફુલભાઈ શુક્લને નવી નક્કોર ફોર્ચુન કાર સ્મૃતિભેટ તરીકે આપવામાં આવી હતી.
કથાકાર શ્રી પ્રફુલભાઈ શુક્લએ આજના શ્રીમદ્ ભાગવત કથાના સમાપનના દિવસે સુદામા ચરિત્રની કથાનું વર્ણન કર્યું હતું. સતત સાત દિવસનું સમસ્ત પુણ્ય કથાકાર પ્રફુલભાઈ શુક્લ દ્વારા સ્વ. ડાહ્યાભાઈ પટેલ અને સમસ્ત પિતૃઓના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યું હતુ. કથાના આચાર્ય શ્રી ચેતનભાઈ જોષી (ભીમપોર), શ્રી ભાર્ગવભટ્ટ, શ્રી વિનયભાઈ નાયક તેમજ ભૂદેવો દ્વારા શાંતિ પ્રાર્થના કરવામાં આવી હતી. કથાકાર શ્રી પ્રફુલભાઈ શુક્લએ વ્યાસપીઠ પરથી કહ્યું હતું કે ‘સુદામા એ નિષ્કામ ધર્મના આચાર્ય છે.’ આજે દમણમાં ડાહ્યાભાઈના પુણ્ય પ્રતાપથી ઐતિહાસિક ભાગવત કથા સંપન્ન થઈ છે.
આ પ્રસંગે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલ, ભાજપ પ્રદેશ ઉપ પ્રમુખ શ્રી મહેશ અગરિયા, દમણ શહેર ભાજપ પ્રમુખ શ્રી પિયુષ પટેલ,દમણ નગરપાલિકા પ્રમુખ શ્રી અસ્પી દમણિયા, સંઘપ્રદેશના ઓબીસી મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રછ હરીશભાઈ ડી. પટેલ, શ્રી કૌશિકભાઈ ટંડેલ (બિલ્ડર કોસંબા), શ્રીમતી હેતલબેન ટંડેલ, શ્રીમતી તેજશ્રી ટંડેલ (કેનેડા), શ્રી રાહુલભાઈ જાંખીયા, શ્રી રમેશભાઈ દાબુલકર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજે ખાસ ઉપસ્થિત રહેલા દમણના મુસ્લિમ પરિવારના શ્રીમતી નસીમબેન અને એમની દીકરીનું સ્વાગત શ્રી જયંતીભાઈ ખારીવાડ, શ્રી ઉપેન્દ્રભાઈ પટેલ, શ્રી મહેશભાઈ પટેલ અને કાર્યકર્તાઓએ કર્યું હતું. જ્યારે કથાના અંતિમ દિવસે કથાના મુખ્ય યજમાન એવા શ્રીમતી હેતાક્ષીબેન જીગ્નેશભાઈ પટેલ અને શ્રી જીગ્નેશભાઈ પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
આજે ભાવિક ભક્તોએ ‘શ્રી કૃષ્ણ શરણં મમ’ ધૂનનો પાઠ કર્યો હતો અને ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. આમ, સાત દિવસીય માઁ ભાગીરથી ગંગાની કથાને વિરામ આપવામાં આવ્યો હતો.