-
‘દીવ બીચ ગેમ્સ’માં 7 ગોલ્ડ, 3 સિલ્વર અને 8 બ્રોન્ઝ સાથે કુલ 18 પદક જીતી મધ્ય પ્રદેશ પ્રથમ સ્થાનેઃ પાંચ ગોલ્ડ, 2 સિલ્વર, 1 બ્રોન્ઝ મળી કુલ 8 પદક સાથે બીજા ક્રમે આસામ
-
ત્રીજા સ્થાને રહેલું તામિલનાડુ અને ચોથાએ મહારાષ્ટ્રઃ યજમાન દાદરા નગર હવેલી અને દમણ-દીવે 3 ગોલ્ડ, 4 સિલ્વર અને 5 બ્રોન્ઝ સાથે કુલ 12 પદક સાથે મેળવેલું પાંચમું સ્થાન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.11 : યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ અને સક્ષમ નેતૃત્વમાં સંઘપ્રદેશના દીવ જિલ્લામાં આયોજીત ‘દીવ બીચ ગેમ્સ-2024′- પ્રથમ મલ્ટીસ્પોર્ટ્સ બીચ ગેમ્સનું આજે ખુબ જ આનંદ, ઉત્સાહ અને રોમાંચ સાથે સમાપન થયું હતું.
દીવ બીચ ગેમ્સ-2024માં 28 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 1200 ખેલાડીઓ, 200 મેચ ઓફિશિયલ અને 220 ટેક્નિકલ ઓફિશિયલ સાથે મલ્ટીસ્પોર્ટ્સ ગેમમાં ભાગ લીધો હતો.
દીવ મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમ્સમાં મધ્યપ્રદેશ 7 ગોલ્ડ, 3 સિલ્વર અને 8 બ્રોન્ઝ સાથે કુલ 18 પદક જીતી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આસામ પાંચ ગોલ્ડ, 2 સિલ્વર, 1 બ્રોન્ઝ મળી કુલ 8 પદક સાથે બીજા ક્રમે રહ્યું હતું. જ્યારે તામિલનાડુ 4 ગોલ્ડ, 5 સિલ્વર, 3બ્રોન્ઝ મળી કુલ 12 પદક જીતી તૃતિય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. મહારાષ્ટ્ર 3 ગોલ્ડ, 4 સિલ્વર, 7 બ્રોન્ઝ મળી કુલ 14 પદક જીતી ચોથા સ્થાને રહ્યું હતું. જ્યારે યજમાન દાદરા નગર હવેલી અને દમણ-દીવે 3 ગોલ્ડ, 4 સિલ્વર અને 5 બ્રોન્ઝ સાથે કુલ 12 પદક મેળવી પાંચમા સ્થાને રહ્યું હતું.
આજે સાંજે ખુખરી મેમોરિયલ ખાતે ‘બીચ ગેમ્સ-2024’નો સમાપન સમારંભ આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં દીવના કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભાએ દાદરા નગર હવેલી અને દમણ-દીવના નેશનલ મેડલ વિજેતાઓને સન્માનિત કર્યા હતા અને બીચ ગેમ્સમાં સામેલ દરેક 8 રમતમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાવાળા ખેલાડીઓને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
બાલ ભવન દીવના બાળ કલાકારોએ સુંદર દાંડિયા રાસની પ્રસ્તુતિ કરી હતી, જ્યારે અમદાવાદની નૃત્ય ભારતી પરફોર્મિંગ આર્ટના કલાકારોએ ભારતનાટ્યમ સુંદર સાંસ્કૃતિક સમૂહ નૃત્ય પ્રસ્તુત કર્યું હતું.