(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : સંઘપ્રદેશ પ્રશાસનના વિવિધ કાર્યાલયો ડિજિટલ અને ઓનલાઈન થઈ રહ્યા છે તેમાં દમણના મામલતદાર કાર્યાલય દ્વારા પણ દમણની જમીન મહેસૂલ ભરવાની પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી હોવાની જાણકારી મામલતદાર શ્રી પ્રેમજીભાઈ મકવાણાએ એક અખબારી યાદીમાં આપી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મામલતદાર કચેરી દ્વારા દમણની જમીન મહેસૂલ ભરવાની ઓનલાઈન પ્રક્રિયા સુગમ પોર્ટલ https://sugam.dddgov.in વેબસાઈટ દ્વારા કરવામાં આવી છે અને જમીન મહેસૂલની ચુકવણીની ઓફલાઈન પ્રક્રિયા તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી હોવાની પણ જાણકારી આપવામાં આવી છે.
દમણની જનતાને તેમના બાકી રહેતા જમીન મહેસૂલના નાણા વર્ષ 2023-‘24 માટે સુગમ પોર્ટલ https://sugam.dddgov.in 31.03.2024 સુધી ભરવા તાકિદ કરાઈ છે અને ત્યારબાદ 01.04.2024થી બાકી રહેતા નાણાં પર ધ ગોવા, દમણ અને દીવ રેવન્યુ કોડ 1968 અને રૂલ્સ 1969ની કલમ 123 હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવા પણ તાકિદ કરાઈ છે. આ અખબારી યાદી મામલતદાર કચેરી દમણની સેવાઓ માટે ઓનલાઈન અરજીના અમલીકરણ અંગે જન જાગૃતિ માટે જાહેર કરવામાં આવી હોવાનુંજણાવાયું છે.