‘વર્તમાન પ્રવાહ’ માટે આજનો દિવસ શોકનો હતો. કારણ કે, અમારા પિતાનું આજે દેહ અવસાન થયું હતું. પપ્પા સાથે અનેક સંભારણાંઓ જોડાયેલા છે. અખબારોનું વાંચન અને વિવિધ અખબારોમાં આવતી શબ્દ રમત રમવાનો જબરો શોખ પપ્પાને હતો. ગુજરાતી ભાષા ઉપર પણ જબરૂં પ્રભુત્વ પપ્પાનું હતું. ઘરમાં એક નહીં પરંતુ વિવિધ અખબારો દરરોજ આવતા હતા. જેના કારણે જ આજે મને પણ વાંચવાનો અને સમજવાનો શોખ પેદા થઈ શક્યો છે. ‘વર્તમાન પ્રવાહ’ની માવજત પાછળ પણ મારા પપ્પાનો શ્રમ યજ્ઞ રહ્યો હતો. શરૂઆતના દિવસોમાં પપ્પાએ ન્યૂઝ પેપરના ફેરિયા બનીને ‘વર્તમાન પ્રવાહ’ પોતાની બાઈક ઉપર વેચતા અને વહેંચતા હતા.
પપ્પામાં નિયમિતતાનો પણ ઉત્તમ ગુણ હતો, તેઓ સાડા પાંચના ટકોરે જાગી જતા હતા. સ્નાનાદી પતાવી સવારે પેપર લેવા માટે એજન્ટને ત્યાં અચૂક પહોંચી જતા હતા.
સર્જન વિસર્જન અને નવસર્જન એ સૃષ્ટિની ઘટમાળ છે. પપ્પાએ પોતાની જીંદગીના 87 વર્ષ અને સાત મહિના જીવ્યા અને માણ્યા પણ ખરા. છેલ્લે છેલ્લે તેઓ પથારીવશ થયા ત્યારે તેમની વેદના આંખોને ભીની કરતી હતી. બા સાથેનો અતૂટ નાતો છેવટે આજે કુદરતે તોડયો.પપ્પાની સેવા-ચાકરીમાં બા પણ ખુબ ઘસાયા પણ રિસાયા નહીં.
અમે ત્રણ ભાઈઓ અને એક બહેન. અમારા ચારેયના શિક્ષણ અને સંસ્કારના સિંચનમાં ક્યારેય કોઈ કસર આવવા નહીં દીધી. પપ્પા ઓછું બોલીને પણ ઘણું કહી દેતા હતા.
પપ્પા પથારીમાં બેઠા બેઠા પણ દરેકના હાલચાલ પૂછતા રહેતા હતા, દરકાર રાખતા હતા. હવે તેઓ સદેહે હાજર નથી ‘વર્તમાન પ્રવાહે’ પોતાના એક મોભીને ગુમાવ્યો છે. પરંતુ તેમનો દિવ્ય આત્મા હંમેશા અમને પ્રેરણા આપતો રહેશે અને પ્રેરિત કરતો રહેશે એવી પરમ કૃપાળુ પરમાત્મા ઉપર અમારી અતૂટ શ્રદ્ધા પણ છે.
– મુકેશ ગોસાવી, તુષાર ગોસાવી અને અલ્કા રાઠોડ