કર્મચારીઓ પોલીસમાં એ્ટ્રોસીટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.06: ધરમપુરમાં આવેલ વિલ્સન લેડી મ્યુઝિયમમાં ફરજ બજાવતા 14 જેટલા કર્મચારીઓએ પોતાની કેટલીક રજૂઆત-માંગણીઓ કરી હતી. તેથી મ્યુઝિયમના સંચાલકોએ તમામ 14 કર્મચારીઓને ફરજ ઉપર હાજર રહેવા ના દેતા મામલો ગરમાયો હતો. તમામ કર્મચારીઓ મ્યુઝિયમ સામે દેખાવા કરવા, માંગણી કરવા બેસી ગયા હતા તેમજ ધરમપુર પોલીસમાં એક્ટ્રોસીટી એક્ટ મુજબ કર્મચારીઓએ સંચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ધરમપુરમાં આવેલ ધી લેડી વિલ્સન મ્યુઝિયમમાં ફરજ બજાવતા આઉટ સોર્સિંગના 14 જેટલા કર્મચારીઓએ ગત તા.01 ફેબ્રુઆરીના રોજ મ્યુઝિયમ સંચાલક ઈન્દ્રા જે વત્સને કેટલીક માંગણી માટે રજૂઆત કરી હતી ત્યારે કર્મચારીઓને જાતિ વિષયક સંચાલકે શબ્દો ઉચ્ચારેલા તેમજ તા.01 થી ફરજ ઉપર નહી રાખવાની કરેલી તજવીજના કર્મચારીઓ ઉપર ભારે રોષ સાથે ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. 6 દિવસથી ફરજ મુક્ત કરાયેલા 14કર્મચારીઓ અંતે મ્યુઝિયમ ગેટ સામે બેસી માંગણીઓ માટે દેખાવ આંદોલન શરૂ કરી દીધું છે. તદ્ઉપરાંત પ્રાંત અધિકારી અને પોલીસને લેખિત રજૂઆત પણ કરી છે. પોતાની માંગણી માંગવા કે રજૂઆત કરવા જતા કર્મચારીઓ તાનાશાહીનો ભોગ બન્યાનું બહાર આવ્યું છે. જો ઉકેલ નહી આવે તો ધરણા ઉપર કર્મચારી બેસશે એવું ધરમપુર તા.પં.ના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે જાહેરાત કરી હતી.