(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ,તા.08 : મધ્યપ્રદેશના ભોપાલથી કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે સહેલગાહે આવેલા યાત્રી શ્રી અરુણ કુમાર ગર્ગને આજે હૃદયરોગનો હૂમલો થયો હતો. આ હૃદયરોગના હૂમલામાં તેમનું મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મધ્યપ્રદેશના ભોપાલથી વૃદ્ધ દંપતિ એવા શ્રી અરૂણ કૃમાર ગર્ગ અને શ્રીમતી નુતન ગર્ગ બંને દીવ ખાતે ફરવા માટે આવ્યા હતા. જ્યાં તેઓ વિવિધ પર્યટન સ્થળોની મુલાકાત કર્યા બાદ છેલ્લે પ્રખ્યાત દીવના કિલ્લામાં ફરી રહ્યા હતા. તેવામાં શ્રી અરુણ કુમાર ગર્ગને અચાનક ચક્કર આવવા સાથે છાતીમાં દુઃખાવો પણ પડયો હતો. આ જોતાં તાત્કાલિક ત્યાં ઉપસ્થિત દીવ આર્કિયોલોજીના સ્ટાફ દ્વારા ઈમરજન્સી એમ્બ્યુલન્સ 108ને બોલાવી હતી, એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી કિલ્લાના કર્મચારીઓએ છાતીમાં શ્રી અરૂણ કુમાર ગર્ગને પંપીંગ ચાલુ રાખ્યું હતું અને તેમને ઉગારવાની કોશિશ કરી હતી. ત્યારબાદ તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે દીવની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ ઉપરના તબીબે શ્રી અરુણ કુમાર ગર્ગ (ઉં.વ.70)ને તપાસ કર્યા બાદ મૃત ઘોષિત કર્યા હતા.
મળેલી માહિતી પ્રમાણે વૃદ્ધ અરુણ કુમાર ગર્ગ અને તેમના પત્ની નુતનગર્ગ બંને સોમનાથથી ફરીને ત્યાંથી ફોરવ્હીલર દ્વારા દીવની સહેલગાહે આવ્યા હતા, ત્યારબાદ તેઓ દીવ બાદ વેરાવળથી ટ્રેન મારફત દ્વારકા જવાના હતા, પરંતુ દીવમાં દુઃખદ ઘટના બનતાં અરૂણ કુમારનું મોત થયું હતું. આ ઘટનાની જાણ પત્ની નુતન ગર્ગએ તેમના પરિવારને કરી હતી.
ઘટનાની જાણ દીવ પોલીસને થતાં પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને આગળની વધુ તપાસ હાથ ધરી હતી.