(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07: વલસાડ જિલ્લા સહિત વાપીમાં નવરાત્રી મહોત્સવ ભારે ઉત્સાહ અને આસ્થાપૂર્વક ઉજવાઈ રહ્યો છે. વાપીમાં એક મોટું નવરાત્રી આયોજન રોટરી પરિવાર દ્વારા ‘‘થનગનાટ”નું કરાયું છે.છેલ્લા 22 વર્ષથી રોટરી પરિવાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરે છે. છરવાડા રોડ રોફેલ કોલેજના ગ્રાઉન્ડમાં દરરોજ રાત્રે યૌવન ધન સુર-તાલ અને ટ્રેડીશનલ ડ્રેસથી સજ્જ થઈને રુમઝુમ થીરકી રહ્યું છે. જેનો નજારો અદ્દભુત હોય છે.
વાપીમાં રોટરી થનગનાટ નવરાત્રી મહોત્સવમાં 24 કલાક પ્રજાની સેવામાં કાર્યરત રહેતી પોલીસના પરિવારોએ પણ રવિવારે ચોથા નોરતામાં ભાગ લઈને રમઝટની ભારે જમાવટ કરી હતી. યૌવન ધન ટ્રેડીશનલ ડ્રેસમાં સજ્જ થઈને નવરાત્રીમાં ઓળગોળ થયેલું નિરખાઈ રહ્યું હતું. જેમાં વાપી ટાઉનના પી.આઈ. કે.જી. રાઠોડ, એલ.સી.બી. પી.આઈ. ઉત્સવ બારોટ તથા પી.એસ.આઈ. જી.એમ. સોલંકી સહિતના પોલીસ પરિવારો પણ નવરાત્રી મહોત્સવ થનગનાટમાં જોડાઈ માતાજીની નવરાત્રીની ઝલકના ભાગીદાર બન્યા હતા. વાપીમાં આ સિવાય તમામ સોસાયટીઓમાં પણ નવરાત્રીના ભવ્ય આયોજન કરવામાં આવ્યા છે. રાતભર ખેલૈયા સંગીતના સુર-તાલમાં ઝુમી રહ્યા છે.