-
ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે ડેલકર પરિવારનું નામ લીધા વગર છત્રપતિ શિવાજી મહારાજની જયંતિના સમયે ફરકાવેલા કાળા વાવટાની ઘટનાની યાદ અપાવી મરાઠી સમુદાયને સાવધાન કર્યા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટા ચૂંટણીનો પ્રચારપૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે પ્રચાર માટે ગુજરાત ભાજપના અનેક અગ્રણીઓએ સેલવાસમાં ધામા નાંખ્યા છે. ત્યારે ખુદ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ પણ દાનહની મુલાકાત લીધી હતી.
શ્રી પાટીલે મરાઠી સમાજને સંબોધતા ડેલકર પરિવારનું નામ લીધા વગર તેમના ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, છત્રપતી શિવાજી મહારાજની જયંતિના દિવસે કાળો ઝંડો લહેરાવનાર આજ પરિવાર હતો, ‘છત્રપતિ શિવાજી મહારાજ ચોક’ નામકરણમાં અવરોધ પેદા કરનારા પણ આ પરિવારના જ હતા અને આજ લોકો આજે સત્તા માટે ‘જય શિવાજી, જય ભવાની’ના જુઠ્ઠા સૂત્રોચ્ચાર કરી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
શ્રી પાટીલે જણાવ્યું હતું કે, છત્રપતિ શિવાજીના આદર્શોને લઈને ચાલનારા ફક્ત આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ છે. હું દરેકને ખાતરી આપું છું કે ભાજપના ઉમેદવાર શ્રી મહેશભાઈ ગાવિતની જીત પછી છત્રપતિ શિવાજીના અશ્વારોહણ પૂતળાને સેલવાસમાં ખૂબ જ આદર અને ગૌરવ સાથે સ્થાપિત કરવામાં આવશે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ શ્રી સી.આર.પાટીલે મરાઠી લોકોને ખાતરી આપી હતી.
દાદરા નગર હવેલી (દાનહ) લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન શ્રી પાટીલ દાનહ પ્રદેશમાં સ્થાયી થયેલા મરાઠી સમાજનીજાહેરસભાને સંબોધી રહ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય સચિવ અને દાનહ અને દમણ-દીવના પ્રદેશ પ્રભારી શ્રીમતી વિજયા રહાટકર, ભાજપના ઉમેદવાર શ્રી મહેશભાઈ ગાવિત, સહપ્રભારી ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવા, શ્રી પિયુષભાઈ દેસાઈ, પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, સેલવાસ શહેર પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, વરિષ્ઠ નેતા શ્રી ફત્તેહસિંહ ચૌહાણ, શ્રી દિગ્વિજયસિંહ પરમાર, શ્રી ઉદય સોનવણે, શ્રી સુનિલ મહાજન, શ્રી પ્રશાંત પાટીલ, શ્રી મહેશભાઈ ગાવિત, શ્રી ગોવિંદભાઈ પાટીલ, શ્રી આનંદભાઈ સાવરે, શ્રી સુનિલ પાટીલ, શ્રી ગોપાલ પાટીલ, ડો. નિતિન રાજપૂત, ડો. સી.પાટીલ, શ્રી દીપક કદમ, શ્રી શત્રુઘ્ન પાટીલ, શ્રી નંદુ શેવાળે, શ્રી સુદર્શન કાંબલે અને સેંકડો મરાઠી લોકો ઉપસ્થિત રહ્યા હતા. ડો. નરેન્દ્ર દેવરેએ બેઠકનું સંચાલન કર્યું હતું.
શ્રી સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, સેલવાસ વિસ્તાર અગાઉ માત્ર ભય અને ગુંડાગીરી માટે જાણીતો હતો. એક પરિવારે આ વિસ્તારને પોતાની જાગીર તરીકે રાખ્યો હતો. ભાજપના સાંસદ શ્રી નટુભાઈ પટેલે આ તસવીર બદલી હતી. સેલવાસમાં વિકાસની ગંગા વહેવા લાગી હતી, સેલવાસ હંમેશા વિકાસ અને પ્રગતિના માર્ગ પર હોવા જોઈએ, તેથી જ આપણને મજબૂત નેતૃત્વની જરૂર છે.
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સેલવાસમાં મેડિકલ કોલેજ, ઇન્ટરનેશનલ ગ્રાઉન્ડ, હોસ્પિટલ જેવા જાહેર હિતના ઘણા પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે. તેમણે દાદરા નગર હવેલીના સમૃદ્ધ અને ઉજ્જવળ ભવિષ્ય માટે ભાજપના ઉમેદવાર શ્રી મહેશભાઈ ગાવિતને પ્રચંડ બહુમતિથી વિજયી બનાવવા અપીલ કરી હતી.