(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : દાદરા નગર હવેલીના નરોલી ગામે બાલેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે મહા શિવરાત્રી નિમિતે શિવકથાનું આયોજન કરવામાં આવશે. મહાશિવરાત્રિ નિમિતે શ્રી બાલેશ્વર મહાદેવ મંદિરમાં ‘આદિત્ય એન.જી.ઓ.’ દ્વારા તા.02/03/24ને શનિવારથી 08/03/2024ને શુક્રવાર સુધી ભવ્ય શિવકથાનું આયોજન કરવામાં આવેલ છે. વ્યાસપીઠ પર સુપ્રસિદ્ધ કથાકાર પ.પૂ.હરેશભાઈ ભોગાયતા પોતાની ઓજસ્વી મધુર વાણી દ્વારા સંગીતમય શિવકથાનું રસપાન કરાવશે.
કથાના પ્રારંભ પહેલાં પોથીયાત્રા શનિવાર 02માર્ચના રોજ બપોરે 2:30 કલાકે શ્રી ગંગેશ્વર મંદિરથી નીકળી શ્રી બાલેશ્વર મંદિર પાસે કથા સ્થળે પહોંચશે. આ શિવકથા દરમ્યાન કથા માહાત્મ્ય શ્રવણ વિધિ, અગ્નિસ્તંભ પ્રાગટય, શિવલિંગ, ભસ્મ, રુદ્રાક્ષ મહિમા, સતિ જન્મ કથા, શિવ પાર્વતી વિવાહ, કાર્તિકેય ગણેશ ચરિત્ર, ઉમા સંહિતા, કૈલાસ માહાત્મ્ય, જ્યોતિર્લિંગ મહાત્મ કથા, શિવનામ મહિમા વગેરે વર્ણવવામાં આવશે.
કથાનો સમય દરરોજ બપોરે 3:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યાનો રાખવામાં આવેલ છે. શિવકથાના આયોજક ‘આદિત્ય એન.જી.ઓ.’ના પ્રમુખ શ્રીમતી જુલી સોલંકી અને શ્રી યોગેશસિંહ સોલંકીદ્વારા આ શિવકથાનો લાભ લેવા માટે ભાવિક ભક્તોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.