2024ની લોકસભા ચૂંટણીમાં 2009માં તત્કાલિન કોંગ્રેસના ઉમેદવાર સ્વ. ડાહ્યાભાઈ પટેલની હારનો બદલો લઈ 25 હજાર કરતા વધુ સરસાઈથી ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ સામે જીતવા કેતનભાઈ પટેલનો લલકાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.12: લોકસભાની દમણ અને દીવ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તરીકે આજે શ્રી કેતનભાઈ પટેલના નામની સત્તાવાર જાહેરાત કરાતા પ્રદેશનું રાજકીય વાતાવરણ પણ ગરમ થઈ રહ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ-દીવ બેઠકના કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવાર તરીકે શ્રી કેતનભાઈ પટેલની જાહેરાત થતાં જ તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેઓ 2009માં પરાજીત થયેલા કોંગ્રેસના ઉમેદવાર સ્વ. શ્રી ડાહ્યાભાઈ પટેલનો બદલો લેશે અને આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલને 25 હજાર કરતા વધુ મતોની સરસાઈથી પરાજીત કરશે.
દમણ-દીવ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શ્રી કેતનભાઈ પટેલે દમણ-દીવમાં ગ્રુપ સી અને ડીની સરકારી નોકરીની ભરતી 100 ટકા સ્થાનિક ડોમિસાઈલ ધરાવતા ઉમેદવારોમાંથી જ કરવા પોતાનો નિર્ધાર પ્રગટ કર્યો હતો અને પૂર્વ સાંસદ શ્રી ડાહ્યાભાઈ પટેલનાસાંસદ કાળ દરમિયાન દમણ-દીવમાં જે લીલા લહેર હતી તેવી જ લીલા લહેર ફરી લાવવા પોતાનો સંકલ્પ પ્રગટ કર્યો હતો.