April 28, 2024
Vartman Pravah
Breaking NewsOtherતંત્રી લેખ

દાનહ અને દમણ-દીવ માટે કેન્‍દ્ર સરકાર જ ભાગ્‍યવિધાતા અને એટલે જ ભાજપ હોટફેવરિટ

દાનહની બેઠક માટે ભાજપના ઉમેદવાર બનવા શિવસેના(ઉદ્ધવ જૂથના) સાંસદ કલાબેન ડેલકર અને અભિનવ ડેલકરે પણ એડીચોટીનું જોર લગાવ્‍યું હોવાની વહેતી વાતો

કેન્‍દ્રમાં ભાજપની 370 કરતા વધુ બેઠકો સાથે મોદી સરકારની હેટ્રિક નિશ્ચિત હોવાનું મનાતાં ટચૂકડાં કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં હવે નેતાઓને થઈ રહેલું બ્રહ્મજ્ઞાન

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવનો અભ્‍યાસ કરવો હોય અને કેવો વિકાસ થયો તેનું દસ્‍તાવેજીકરણ કરવું હોય તો 2014 પહેલાંના દાદરા નગર હવેલી અને દમણ-દીવ ઉપર નજર માંડવી પડે. કારણ કે, 2014 સુધી દાદરા નગર હવેલી અને દમણ-દીવનો વિકાસ ફક્‍ત ફાઈલો અને એ.સી. ચેમ્‍બર સુધી કેદ હતો. જ્‍યારે 2014ના જૂનથી લઈ અત્‍યાર સુધી છેલ્લા સાડા નવ-દશ વર્ષમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવે દરેક ક્ષેત્રે ફક્‍ત વિકાસ જ નથી કર્યો, પરંતુ વ્‍યક્‍તિ ઘડતર માટેના દરવાજા પણ ખોલ્‍યા છે.
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા થયેલા ઐતિહાસિક વિકાસકામોના કારણે જ આજે દાદરા નગર હવેલીબેઠક માટે કેન્‍દ્રમાં સત્તાધારી ભાજપની ટિકિટ મેળવવા માટે ભાજપના રાષ્‍ટ્રીય હેડ ક્‍વાર્ટરમાં આંટાફેરા મારવાની સાથે ભાજપના દિગ્‍ગજ નેતાઓના માધ્‍યમથી ભાજપના વિરોધી રહેલા નેતાઓ સંપર્ક કરી રહ્યા છે. જેમાં વર્તમાન સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર અને તેમના સુપુત્ર એવા દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશના શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના અધ્‍યક્ષ શ્રી અભિનવ ડેલકરનો પણ સમાવેશ થાય છે અને તેમના ટેકેદારો સોશિયલ મીડિયામાં ટિકિટ પાકી હોવાની અફવા પણ ફેલાવતા રહે છે. જે બતાવે છે કે, દાદરા નગર હવેલીમાં ભાજપનો જનાધાર મજબૂત છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવ વિધાનસભા વિનાનો કેન્‍દ્ર શાસિત પ્રદેશ હોવાથી કેન્‍દ્ર સરકાર જ આ વિસ્‍તારની ભાગ્‍યવિધાતા રહેતી હોય છે. તેથી કેન્‍દ્રમાં જેની સરકાર હોય અને પ્રદેશમાં તે પક્ષનો સાંસદ પણ હોય તો વિકાસ સહિતના અનેક પ્રશ્નોના સમાધાન માટે સરળતા રહેતી હોય છે.
હાલમાં કેન્‍દ્રમાં ભાજપની સરકાર છે અને દાદરા નગર હવેલીમાં શિવસેનાના સાંસદ હોવાથી બંને વચ્‍ચે સંકલન અને તાલમેલના અભાવના કારણે ઘણી સમસ્‍યાઓનું નિરાકરણ સરળતાથી થતું નહીં હોવાનો વ્‍યાપક અનુભવ છે. 2024ની લોકસભા ચૂંટણીમાં પણ કેન્‍દ્રમાં ભાજપ 370 બેઠકો સાથે એનડીએની 400 બેઠકના લક્ષ્યાંક સાથે સરકાર બનાવે એવી પ્રબળસંભાવના છે. તેથી દાદરા નગર હવેલીની પ્રજા માટે ભાગ્‍યવિધાતા ભારતીય જનતા પાર્ટી જ બનવાની હોવાનું સ્‍વભાવિક છે.
સંઘપ્રદેશ પ્રશાસને દાદરા નગર હવેલી અને દમણ-દીવના સર્વાંગી અને સમતોલ વિકાસ માટે કોઈ કસર બાકી રાખી નથી. પરંતુ કેટલાક વ્‍યક્‍તિગત અને સામુહિક સ્‍પર્શતા પ્રશ્નોનો ઉકેલ પ્રશાસન અને સાંસદની મડાગાંઠમાં નહીં આવી શકવાની પણ પ્રબળ શક્‍યતા છે. તેથી ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશો માટે કેન્‍દ્ર સરકારમાં જે પક્ષ હોય તેની સાથે રહેવામાં અને તેના સાંસદને ચૂંટવામાં જ ડહાપણ હોવાનું માનવામાં આવે છે. પરંતુ લોકશાહીમાં છેલ્લે લોકો જ સર્વોપરી રહે છે. તેથી દરેક મતદાર પોતાના વિવેકાધિકારનો ઉપયોગ યોગ્‍ય ઉમેદવારને ચૂંટવા માટે કરે તે ખુબ જ જરૂરી છે.

એક્‍સ્‍ટ્રા કોમેન્‍ટ
દમણ અને દીવના કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર તરીકે શ્રી કેતનભાઈ પટેલના નામની જાહેરાત થઈ ચુકી છે. શ્રી કેતનભાઈ પટેલનો ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલ સામે આ ત્રીજો મુકાબલો રહેશે અને ભાજપના ઉમેદવાર તરીકે શ્રી લાલુભાઈ પટેલ આ પહેલાં ત્રણ વખત કોંગ્રેસના ઉમેદવારોને પરાજીત કરી હેટ્રિક લગાવી ચુક્‍યા છે. ત્‍યારે 2024ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પોતાના પરાજયનો બદલો લેશે કે પછી હારની હેટ્રિક સર્જશે તેના ઉપર તમામની નજર મંડાયેલીછે.

Related posts

દાનહ કૌચા અને ગલોન્‍ડા પંચાયત સભ્‍યની પેટાચૂંટણીની મત ગણતરી 1લી નવેમ્‍બરે

vartmanpravah

દાનહઃ આંબોલી ડુંગરીપાડા ગામના યુવાઓએ પોતાની શ્રમ શક્‍તિથી રસ્‍તાનું કરેલું નિર્માણ

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચોની વિવિધ સમસ્‍યાઓનું નિરાકરણ હવે હાથવેંતમાં

vartmanpravah

ધરમપુર અને કપરાડા તાલુકાના ચાર ગામોમાં સરકારી જમીનમાં ચર્ચ બાંધવાની હિલચાલ સામે ગ્રામજનોનો વિરોધ

vartmanpravah

પરખ, NCERT અને PHDCCI દ્વારા ‘‘પ્રોજેક્‍ટ વિદ્યાસાગર” અંતર્ગત સેલવાસમાં બે દિવસીય શિક્ષણ કાર્યશાળા યોજા

vartmanpravah

વલસાડની કોમર્સ કોલેજનો આંતર કોલેજ રસ્‍સાખેંચ રમતમાં દબદબો, 8 વિદ્યાર્થીઓ રાષ્‍ટ્રીય કક્ષાએ રમવા જશે

vartmanpravah

Leave a Comment