(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ,તા.13: ‘વિશ્વ મહિલા દિવસ’ના ઉપલક્ષમાં ભારત સરકારના યુવા બાબતો અને રમત-ગમત મંત્રાલયની સ્વાયત્ત સંસ્થા નેહરુ યુવા કેન્દ્ર દમણ દ્વારા ફૂટબોલ ગ્રાઉન્ડ મોટી દમણ ખાતે બ્લોક સ્તરીય રમત-ગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રશાસનના સહયોગથી જિલ્લા યુવા અધિકારી શ્રી અનુપમ કૈથવાસની આગેવાની હેઠળ યોજાયેલી આ રમત-ગમત સ્પર્ધા દરમિયાન નારીશક્તિ ફિટનેસ રન, કરાટે, ટગ ઓફ વોર(દોરડાખેંચ) અને યોગાસન જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં નારી શક્તિ ફિટનેસ દોડમાં નિયતિ મંગેલા પ્રથમ, સપના પ્રસાદ દ્વિતીય અને જુહી સિંહ તૃતિય ક્રમે વિજેતા થયા હતા. ટગ ઓફ વોર(દોરખેંચ)માં પ્રથમ ક્રમે ઇનાયત ગ્રુપ, દ્વિતીય જેનિલ એન્ડ બોયઝ રહ્યા હતા. જ્યારે કરાટે (પુરુષ કેટેગરીમાં) પ્રથમ ક્રમે આદર્શ પટેલ, દ્વિતીય- પ્રિન્સ પાલેકર અને કરાટે (મહિલા કેટેગરીમાં પ્રથમ રિંકુ રાજપુરોહિત, દ્વિતીય કુમકુમ મહેરા વિજેતા રહ્યા હતા. યોગાસનમાં (પુરુષ વર્ગ) પ્રથમ બંટી સુનિલકુમાર રામ, દ્વિતીય સોનુ રામ, યોગાસનમાં (સ્ત્રી શ્રેણી) પ્રથમ ક્રમે રિયા સિંહ અને દ્વિતીય જુહીસિંહ રહી હતી. તમામ વિજેતાઓને મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્પર્ધાના નિર્ણાયક તરીકે શ્રી આકાશ ઉદેશી, શ્રી અર્જુન ઉદેશી, શ્રી પાર્થ પારડીકર અને શાલીન ધોરીએ ફરજ બજાવી હતી. જ્યારે કાર્યક્રમના સફળ આયોજન માટે રાષ્ટ્રીય યુવા સ્વયંસેવકો નિકિતા ઉદેશી અને તોહા જરીવાલાએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.