જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના નિર્દેશ મુજબ આચારસંહિતા અમલીકરણ સમિતિ દ્વારા તત્કાલ કામગીરી કરાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.18: ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની તારીખો જાહેર થતાં જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. આચારસંહિતા અમલમાં આવતાં જ વલસાડ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.
આચારસંહિતા અમલમાં આવતાં જ જિલ્લાની સરકારી અને ખાનગી મિલકતો પરની પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી આયુષ ઓકના નિર્દેશમુજબ આચારસંહિતા અમલીકરણ સમિતિ દ્વારા તત્કાલ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આચારસંહિતાના અમલીકરણના ભાગ રૂપે પ્રથમ બે દિવસોમાં જ 1736 પ્રચારાત્મક સામગ્રી હટાવી દેવામાં આવી છે. વલસાડ જિલ્લામાં પ્રથમ બે દિવસમાં જ જાહેર મિલકતો પરથી 311 વોલ પેઈન્ટિંગ, 434 પોસ્ટર, 317 બેનર અને અન્ય 311 એમ કુલ 1373 પ્રચારાત્મક સામગ્રીઓ હટાવી લેવામાં આવી છે. જ્યારે ખાનગી મિલકતો પરથી 74 વોલ પેઇન્ટિંગ, 123 પોસ્ટર, 86 બેનર અને અન્ય 80 એમ કુલ 363 પ્રચારાત્મક સામગ્રીઓ હટાવી લેવામાં આવી છે. આમ, કુલ 1763 પ્રચારાત્મક સામગ્રી હટાવવામાં આવી છે.
આમ, જાહેર મિલકત તથા ખાનગી મિલકતો પરથી 1763 પ્રચારાત્મક સામગ્રી દૂર કરી લખાણો અને રેખાંકનોને ભૂંસવાની કામગીરી પણ ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે.