‘વર્તમાન પ્રવાહ’માં અહેવાલ પ્રસારિત થતાં તંત્રએ દોટ લગાવી ચેતવણીદર્શક બોર્ડ ગોઠવી દેતાં વાહનચાલકોને મળેલી રાહત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.06: ચીખલી-નવસારી રાજ્યધોરી માર્ગ ઉપર ગણદેવી સુગર ફેકટરી ચાર રસ્તા પાસે માર્ગ×મકાન વિભાગ દ્વારા સ્પીડ બ્રેકરો મુકાયા પરંતુ ચેતવણીદર્શક બોર્ડ નહીં મુકાતા વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ ઉભું થવા પામ્યું હતું. લોકોની સુવિધા માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરાતો હોય છે. પરંતુ અધિકારીઓની અણ આવડતને પગલે સુવિધાના સ્થાને દુવિધામાં વધારો થતો હોય છે.
તાજેતરમાં માર્ગ×મકાન વિભાગ દ્વારા વસુધરા ડેરી અલીપોર હાઇવેથી ગણદેવીથી નવસારીને જોડતા રાજ્યધોરી માર્ગનું કરોડો રૂપિયાના ખર્ચે વિસ્તૃતિકરણ કરી નવીનીકરણ કરાયું છે. પરંતુ માર્ગ×મકાન વિભાગના જવાબદાર અધિકારીઓને વાહન ચાલકોની સલામતીની કોઈ પરવા ન હોય તેમ આ રાજ્ય ધોરીમાર્ગ ઉપર ગણદેવીમાં સુગર ફેક્ટરી સ્થિત જલારામ બાપાના મંદિર અને દેસાડ પાટિયા પાસેના ચાર રસ્તા પર બન્ને તરફ સ્પીડ બ્રેકર (બમ્પ) મુકવામાં આવ્યા છે. પરંતુ આ સ્પીડ બ્રેકર આવતોહોવાથી વાહન ચાલકોને સાવચેત કરવા માટે ચેતવણીદર્શક બોર્ડ લગાવાયા ન હોવાથી ખાસ કરીને અચાનક બ્રેક મારવાની સ્થિતિમાં ટુ વ્હીલર વાહનચાલકો કફોડી હાલતમાં મુકાઈ જતા હતા અને તેઓને સતત અકસ્માતનો ભય સતાવતો હોવાનો અહેવાલ દૈનિક અખબાર ‘વર્તમાન પ્રવાહ’માં પ્રસારિત થતાં માર્ગ×મકાન વિભાગના અધિકારીઓએ આળસ ખંખેરી બીજા જ દિવસે સુગર ફેક્ટરી સ્થિત જલારામ બાપાના મંદિર અને દેસાડ એમ બન્ને જગ્યા ઉપર ચેતવણીદર્શક બોર્ડ તેમજ સ્પીડ બ્રેક્રર (બમ્પ)ની બંને બાજુમાં વાઇટ કલરના પટ્ટા મારી દેવતા વાહન ચાલકોને દૂરથી પર ચેતવણી દર્શક બોર્ડ નજરે આવતાં વાહન ચાલકોએ રાહતો દમ લીધો હતો.