હોળીના દિવસે ઘરે ગેંગ ત્રાટકી હતી : રોકડાની લૂંટ ચલાવનારા પૈકી અનિલ બાપુડ ધો. પટેલ, સંજય ધીરૂ ધો. પટેલ ઝડપાઈ ગયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.02: ગત હોળીના દિવસે કપરાડાના અંભેટી ગામે ખરેડા ફળીયામાં રહેતા મનીષ રણછોડભાઈ ધો. પટેલના ઘરે પોલીસની ઓળખ આપી આવેલા પાંચ અજાણ્યા ઈસમો હોળીના તહેવારમાં ઉઘરાવેલ ફંડ ફાળાના રોકડા રૂપિયા અને મોબાઈલની લૂંટ કરી કારમાં મનિષ પટેલ અને તેના મિત્રનું અપહરણ કરી ગયા હતા. આ લૂંટ પ્રકરણના પાંચ આરોપી પૈકી બે આરોપીને એલસીબીએ ઝડપી પાડી રૂા.2.20 લાખની રોકડ રિકવર કરી હતી.
ગુના અંગે ફરિયાદ બાદ એલ.સી.બી.એ તપાસ હાથ ધરી હતી. પો.સ.ઈ. જે.એન. સોલંકીને બાતમી મળી હતી કે લૂંટ-ધાડમાં સંડોવાયેલ ટોળખીના બે સભ્યો અંભેટીના ખરેડા ફળીયા પંચનાથ મહાદેવ મંદિર પાસે કોલક નદીના પુલ પાસે સિલ્વર કલરની અલ્ટીકા કારમાં બેસેલા છે. આ બાતમી બાદ એલ.સી.બી. ટીમ બાતમી વાળી જગ્યાએ પહોંચી હતી. આરોપી અનીલ બાપુડભાઈ ધો. પટેલ તથા સંજય ધીરૂભાઈ ધો.પટેલને ઝડપીપાડયા હતા તેમજ તેમના કબજામાં રહેલ રૂા.2.20 લાખના રોકડાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ માટે આરોપીઓને નાનાપોંઢા પોલીસને સોંપવામાં આવ્યા હતા. આરોપી ગેંગે ચૂંટણી સમયે તમે ઘરમાં વધારે પૈસા ના રાખી શકો તેવી ધમકી આપી લૂંટ ચલાવી હતી. પકડાયેલ આરોપી પૈકી સંજય પટેલ વિરૂધ્ધમાં વડોદરા પો.સ્ટે.માં ફરિયાદ નોંધાયેલ છે. આ પ્રકરણના સહઆરોપી ચંપક બહાદુર પટેલ, વિક્રમ ઉર્ફે વિકી છોટુ ધો. પટેલ, સંજય નટુ ધો. પટેલને પોલીસ શોધી રહી છે. પોલીસે રોકડા રૂા.2.20 લાખ અને રૂા.5 લાખની કાર મળી કુલ રૂા.7.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.