ચીખલી તાલુકાના કુકેરી સહિતના રાજપૂત સમાજની વસ્તીવાળા ગામોમાં પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નથાય ત્યાં સુધી ભાજપના નેતાઓને પ્રવેશબંધી ફરમાવતા બેનરો લાગતા રાજકીય વાતાવરણ ગરમાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી, તા.09: લોકસભાની રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં દિવસે દિવસે રોષ વધી રહ્યો છે. રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત ટિપ્પણીના વિરોધ ગામે ગામ પહોંચી રહ્યો છે. અને રાજપૂત સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે.
ચીખલી તાલુકાના વલસાડ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ અને રાજપૂત સમાજના લોકો વસવાટ કરે છે. તેવા કુકેરી, રાનવેરી ખુર્ડ, રાનવેરી કલ્લા, ખરોલી સહિતના ગામોમાં રાજપૂત સમાજના લોકો દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે.
કુકેરી સહિતના ગામોમાં પ્રવેશબંધીના શીર્ષક હેઠળ લાગેલા બેનરોમાં ભાજપના કોઈપણ કાર્યકરો કે આગેવાનોએ ગામમાં પ્રવેશ કરવો નહીં જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી તેઓ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કુકેરી ઉપરાંત રાનવેરી કલ્લા, રાનવેરી ખુર્ડ અને ખરોલી સહિતના ગામોમાં રાજપૂત સમાજના આગેવાનો ભાજપ માટે નો-એન્ટ્રીના બેનરો લગાવવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.
ચીખલી તાલુકાસહિતના રાજપૂત સમાજના આગેવાનોની થોડા દિવસ પૂર્વ યોજાયેલ એક બેઠકમાં ભાજપ સાથે જોડાયેલા રાજપૂત સમાજના પણ આગેવાનો ઉપસ્થિત રહી રૂપાલાની ટિકિટ ભાજપ દ્વારા રદ ન કરવામાં આવે તો પહેલા સમાજ પછી પાર્ટી તેવી ચર્ચા વિચારણા કરી જરૂર પડ્યે ભાજપને રામ રામ કરી કોંગ્રેસ તરફે મતદાન કરવા સુધીની પણ રણનીતિ અખત્યાર કરવામાં આવી હોવાનું કહેવાય છે. આમ પણ પાર્ટી દ્વારા સત્તા ભોગવવા મળી હોવા છતાં જાતિવાદનું ભૂત સવાર નેતાની પડદા પાછળની મેલી રાજરમતના કારણે વાંસદા વિધાનસભામાં સમાવિષ્ટ ચીખલી તાલુકાના ગામોમાં ભાજપે ગત વિધાનસભાની ચૂંટણીમાં ભારે પછડાટ ખાવી પડી હતી. અને દસ હજારથી વધુ મતો ભાજપ માઇનસ થયું હતું. હવે વાંસદા વિધાનસભા અને વલસાડ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ કુકેરી સહિતના ગામોમાં રાજપૂત સમાજમાં રૂપાલાના વિવાદમાં ભાજપ સામે વિરોધના સુર ઉભા થવા પામ્યા છે. ત્યારે તેને ઠાળવવામાં ભાજપના સ્થાનિક નેતાઓ સફળ થશે કે કેમ તે જોવું રહ્યું.