પ્રધાનમંત્રીશ્રીને રૂબરૂ સાંભળવા અને જોવાનો લ્હાવો લેવા પ્રદેશના લોકોમાં આનંદ ઉત્સાહ અને થનગનાટ
પ્રધાનમંત્રીશ્રીની સભાને ઐતિહાસિક અને યાદગાર બનાવવા પ્રદેશ ભાજપ પ્રભારી પૂર્ણેશભાઈ મોદી અને સહ પ્રભારી દુષ્યંતભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળપ્રદેશ ભાજપે શરૂ કરેલી કવાયત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.22 : આગામી તા.27મી એપ્રિલના રોજ વડાપ્રધાન અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી દમણ ખાતે ચૂંટણી પ્રચાર સભા માટે આવી રહ્યા હોવાની માહિતી સાંપડી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આગામી તા.27મી એપ્રિલના સાંજે 4:00 વાગ્યે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નાની દમણના દુણેઠા ખાતે આવેલ સરકારી કોલેજ ગ્રાઉન્ડમાં સભાને સંબોધશે. લોકસભાની દમણ અને દીવ તથા દાદરા નગર હવેલી બેઠક માટે યોજાનારી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સભા માટે લોકોમાં ખુબ જ આનંદ, ઉત્સાહ અને થનગનાટ દેખાઈ રહ્યો છે. આ પહેલાં પ્રધાનમંત્રીશ્રીની સભા 30મી એપ્રિલના રોજ યોજાનારી હતી, પરંતુ સમય પત્રકમાં ફેરફાર થઈ હવે આ સભા 27મી એપ્રિલના રોજ નિર્ધારિત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રધાનમંત્રીશ્રીની સભાને સફળ અને ઐતિહાસિક બનાવવા માટે પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી પૂર્ણેશભાઈ મોદી અને સહ પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ હેઠળ પ્રદેશ ભાજપે તૈયારીઓ શરૂ કરી છે.