(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.13: ચીખલીના તલાવચોરા ઇંગારી પહાડમાં જિલ્લા ભાજપના મહામંત્રી ડો.અશ્વિનભાઈ પટેલ દ્વારા તેમના સરપંચ તરીકેના કાર્યકાળ દરમ્યાન વન વિભાગના સહયોગથી મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અને તેમના દ્વારા વૃક્ષારોપણ બાદ જરૂરી માવજત પણ કરવામાં આવતા મોટી સફળતા મળી હતી. અને આ વૃક્ષારોપાણના પંદરેક વર્ષ વીતી જતા આ ઇંગારી પહાડ એક સમયે લીલાછમ વૃક્ષોથી છવાઈ ગયો હતો.
જોકે હાલે કેટલાક ઝાડો વડોદરા-મુંબઈ એક્ષપ્રેસ-વે ની લાઇન દોરીમાં આવતા કપાઈ જવા પામ્યા છે. પરંતુ જે ઝાડો બચેલા છે તેની સાર સંભાળ રાખવામાં આવે તે જરૂરી છે. તેવામાં હાલે આ વિસ્તારમાં કોઈકે કચરો સળગાવ્યા બાદ પૂરતી તકેદારી ન રાખવામાં આવતા આગ સૂકા ઘાસના કારણે વધુ વિસ્તારમાં ઝડપથી પ્રસરી જતા ઘણા ઝાડો બળી જતા નુકશાન થવા પામ્યું હતું.
પર્યાવરણની ખોરવાયેલી સ્થિત વચ્ચે સરકાર દ્વારા પણ વૃક્ષારોપાણને મહત્વ આપી વધુ ને વધુ વૃક્ષોના ઉછેર માટે લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયત્નો કરી રહી છે. ત્યારેઝાડોને નુકશાન ન થાય તે માટે લોકો દ્વારા પણ એટલી જ સાવચેતી અને તકેદારી રાખવામાં આવે એજ સમયનો તકાજો છે.
