વ્યાજે પૈસા આપી જેની પઠાણી ઉઘરાણી કરી પૈસા નઆપે તો બીભત્સ માંગણી કરી કરતો હતો બ્લેક મેલ
ગણતરીના કલાકોમાં મર્ડરનો ગુનો ઉકેલતી પારડી પોલીસ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.13: પારડી તાલુકાના મોટા વાઘછીપા પટેલ ફળિયા ખાતે રહેતા જીતેન્દ્રભાઈ ઠાકોરભાઈ લેઉવા પટેલ ઉંમર વર્ષ 54 ની તારીખ 11-5-2024 ના રોજ આશરે સવારે 10:30 કલાકે ઉમેશભાઈ મંછુંભાઈ લેવા પટેલની આંબાવાડીમાંથી લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર જવા પામી હતી.
સ્થળ તપાસ દરમિયાન ચહેરાની ચામડીઓ કાળી થઈ ગયેલી હોય અને લોહી પણ સુકાઈ ગયેલું હોય શરૂઆતથી જ શંકાસ્પદ લાગતી આ લાશને પારડી પોલીસે સુરત ખાતે પેનલમાં ફોરેન્સિક પીએમ કરાવતા જેમાં ગળુ રુંધાવાથી અને માથાના અંદરના ભાગે ઈજા થવાથી મોત થયું હોવાનું બહાર આવ્યું હતું.
વલસાડના નાયબ પોલીસ અધિક્ષક એ.કે.વર્માના માર્ગદર્શન હેઠળ પારડી પોલીસ સ્ટેશનના પી.આઈ. જી.આર. ગઢવી, વલસાડ એલસીબી પી.આઈ. ઉત્સવ બારોટ તથા લોકલ ક્રાઈમ બ્રાન્ચના જે. બી. ધનેશા અને વલસાડ જિલ્લાની વિવિધ વિભાગોની પોલીસોની ટીમ દ્વારા ઝીણવટભરી તપાસ અને ખાનગી માહિતી મેળવી ગણતરીના કલાકોમાં જ આ મર્ડરનો ગુનો ઉકેલી કાઢવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી.
મરણ જનાર જીતેન્દ્ર ઠાકોરભાઈ લેઉવા પટેલ અનેક પ્રકારનારાજાશાહી શોખ ધરાવતો હોય પોતાને કેન્સર હોય તથા પત્નીને પણ પેરાલીસીસ હોય અનેક લોકોને પહેલા વ્યાજે પૈસા આપી ત્યારબાદ એ પૈસાની પઠાણી ઉઘરાણી કરી અને જો પૈસા ન આપે તો મહિલાઓ પાસે બીભત્સ માંગણીઓ કરી બદનામ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતો હતો.
મોટા વાઘછીપા સ્કૂલ ફળિયા ખાતે રહેતી ભારતીબેન દીપકભાઈ ધો. પટેલે પણ જીતેન્દ્ર પાસેથી રૂા.50,000 વ્યાજ એ લીધા હોય જેની ઉઘરાણી જીતેન્દ્ર વારંવાર કરી ભારતીબેનને હેરાન કરતો હતો અને તેઓ પાસે બીભત્સ માંગણીઓ કરી બદનામ કરવાની ધમકી આપતો હતો.
તારીખ 10.5.2024 ના રોજ જીતેન્દ્રએ ભારતીબેનને આવી જ બીભત્સ માંગણી કરી નાના વાઘછીપા દેસાઈ ફળિયા ખાતે આવેલ ઉમેશભાઈ મંછુભાઈ લેઉવા પટેલની આંબાવાડીમાં બોલાવી હતી. વારંવાર પૈસાની ઉઘરાણી અને બીભત્સ માંગણી તથા ધમકીથી કંટાળી ગયેલ ભારતીબેને ઉમેશભાઈની વાડીમાં જઈ પહેલેથી જ હાજર જીતેન્દ્રભાઈને પાછળથી જોરથી ધક્કો મારી નીચે પાડી દઈ ગળું દબાવી તેની હત્યા કરી મોબાઈલ પણ તોડી નાખ્યો હતો.
પારડી પોલીસ સ્ટેશનના પી.આઈ જી.આર. ગઢવી તથા વલસાડ જિલ્લાની વિવિધ વિભાગોની પોલીસની ટીમોએ તાત્કાલિક આ મર્ડરના ગુનાનો કેસ ઉકેલી દઈ ખૂબ શાબાશી ભર્યું કાર્ય કર્યુંછે.