2019ની લોકસભા ચૂંટણીમાં પ્રશાસનિક ઠોસ પગલાંના કારણે અસામાજિક તત્ત્વો અને ટપોરીઓ ભયભીત હતાઃ 2024ની ચૂંટણીમાં નીતિ-નિયમ વિરૂધ્ધ કામ કરનારાઓ અસામાજિક તત્ત્વો અને ખંડણીખોરોએ બનાવેલો એક મંચ
દમણ અને દીવના વિકાસની વાતો યોગ્ય રીતે રજૂઆત કરવા શાસક ભાજપનાનેતાઓ પણ નિષ્ફળ રહ્યા હોવાની લાગણી : ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ પૈકી કોઈપણ વિજેતા બની શકે એવી પ્રવાહી સ્થિતિનું નિર્માણ
દમણ અને દીવમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે. હવે ચોથી જૂન સુધી પરિણામ ઈન્તેજાર અને અટકળોનું બજાર ગરમ છે. 2019ની લોકસભા ચૂંટણીમાં પહેલી વખત મતદારો ઉપર દારૂ, બિયરનો પ્રભાવ નહીં રહ્યો હતો તેની અસર આ વખતે પણ રહી હતી.
2019ની લોકસભા ચૂંટણીમાં પ્રશાસને ભરેલા ઠોસ પગલાંના કારણે અસામાજિક તત્ત્વો અને ટપોરીઓ ભયભીત હતા. પ્રશાસનની હાક અને ધાક પણ હતી જેના કારણે લોકો ભયમુક્ત બનીને મતદાન કરવા માટે બહાર નિકળી શક્યા હતા. તેનાથી વિપરીત 2024ની લોકસભા ચૂંટણીમાં નીતિ-નિયમ વિરૂધ્ધ કામ કરનારાઓ, અસામાજિક તત્ત્વો અને ખંડણી ઉદ્યોગ ચલાવનારાઓ એક મંચ ઉપર દેખાયા હતા. જેનું મુખ્ય કારણ છેલ્લા 8 વર્ષથી બંધ થયેલો તેમનો કાળો કારોબાર કારણભૂત હતો. હવે જોવાનું એ રહે છે કે, આ પ્રકારના કાળા ધંધા કરનારાઓનો પ્રભાવ સામાન્ય મતદાર ઉપર કેવો રહ્યો? આ કાળા કારોબાર કરનારાઓએ ક્યા ઉમેદવાર માટે કામ કર્યું? અને ઉમેદવાર જો વિજેતા બને તો તેની આડમાં તેઓ પોતાનો કેટલો ફાયદો ઉઠાવવા માંગે છે? આ તમામ પ્રશ્નો પરિણામના દિવસ સુધી અનુત્તર રહેશે.
અત્રેયાદ રહે કે, આ વખતે દમણ અને દીવની લોકસભા ચૂંટણીમાં કોઈ લહેર નહીં હતી. પ્રદેશના વિકાસની વાતો યોગ્ય રીતે રજૂઆત કરવા શાસક ભાજપના નેતાઓ પણ નિષ્ફળ રહ્યા હતા. તેઓએ પણ સીધી યા આડકતરી રીતે ભાજપના હરિફ ઉમેદવારને પ્રોત્સાહન પૂરૂં પાડે એ પ્રકારની રીત-રસમ અજમાવી હતી. જેના કારણે આજે લોકસભાની દમણ અને દીવ બેઠકમાં મુખ્ય ત્રણ ઉમેદવારો ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ પૈકી કોઈપણ વિજેતા બની શકે એ પ્રકારની પ્રવાહી સ્થિતિ નિર્માણ પામેલી છે.
લોકસભાની દમણ અને દીવ બેઠકની ચૂંટણી સંપન્ન થયાના 8 દિવસ બાદ હવે મોટાભાગના આગેવાનો અને સમિક્ષકો ભાજપની જીતના દાવા કરી રહ્યા છે. ચોથી જૂને કોઈપણ જીતશે પરંતુ ખરી જીત દમણ અને દીવના મતદારોની થશે. મતદારોએ પોતાના વિવેકનો ઉપયોગ મતાધિકાર માટે કેવો કર્યો તેના ઉપર પણ પ્રદેશના ભવિષ્યનો મુખ્ય આધાર રહેશે.