(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.15: વલસાડ નજીકના ગામમાંથી પિતા વારંવાર ‘ઘરમાંથી નીકળી જા’ તથા ‘મરી જા’ કહી ઠપકો આપતા મીના પટેલ(નામ બદલ્યું છે) નામની અપરિણિત યુવતીએ મદદ માટે અભયમ 181 મહિલા હેલ્પલાઈન વલસાડને ફોન કરતા અભયમની ટીમતુરંત એમની મદદ માટે પહોચી હતી. અભયમની ટીમે પિતાને સમજાવીને બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું.
અભયમ ટીમના જણાવ્યા અનુસાર મીના પટેલ(નામ બદ્લ્યું છે) અપરિણીત છે અને એમના પિતા જે નિવૃત સરકારી કર્મચારી છે અને હાલ ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે એમની સાથે રહે છે. તેમના પિતા જીવનની ભાગદોડ અને વધુ પડતા કામના ભારણને કારણે નાની-નાની બાબતોમાં ચીડવાય જાય છે. જેથી પિતા-પુત્રી વચ્ચે અવાર-નવાર કામની તથા અન્ય નાની મોટી બાબતે ઝગડાઓ થતા હતા. તેમના પિતા વારંવાર મીનાને ‘ઘરમાંથી નીકળી જા’, ‘તું કંઈ કામની નથી’ અને ‘મરી જા’, એમ કહી ઠપકો આપતા હતા. તેથી આ ઝગડાઓથી કંટાળી છેવટે મીનાએ 181 અભયમની મદદ લીધી હતી. 181ની ટીમે બંને પક્ષો ને સમજાવી મામલો થાળે પાડ્યો હતો. પિતાને સમજાવ્યું હતું કે, પુખ્ત વયના બાળકો પ્રત્યે અપશબ્દો કે કડક વલણ દાખવી આપવાથી એમનું વર્તન બદલી શકાતું નથી. સમજાવટ બાદ પિતાએ પોતે અપશબ્દો કે કડક વલણ નહી દાખવે તેની ખાત્રી આપતા પિતા પુત્રીમાં સુખદ સમાધાન થયું હતું.