(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.16: ઉમરગામ જીઆઇડીસી નજીક દેહરી ખાતે ઈન્ડસ્ટ્રીયલ ગાલામાં કાર્યરત કોસ્મેટીક બનાવતી જે કે લાઈફ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. બપોરના સમયે બનવા પામેલી ઘટનામાં કંપનીમાં રાખેલ કોસ્મેટિક વસ્તુઓની ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતી જવનશીલ પદાર્થોમાં એકાએક ધડાકા સાથે આગ લાગતા ભયના વાતાવરણ સાથે ભારે દોડધામ મચી જવા પામી હતી. આગની તીવ્રતાના કારણે કંપનીમાં કામ કરી રહેલા કામદારો કંપનીની બહાર નીકળે એ પહેલા 15 જેટલા કામદારો દાઝી જવા પામ્યા હતા. જેમાંથી ઘણાને ગંભીર ઈજાઓ પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
આગના કારણે ઈજાગ્રસ્ત થયેલા કામદારોમાંથી મમતા હોસ્પિટલ તેમજ વાપીની સૂર્યા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આગ લાગવાની ઘટના સાથે થયેલા ધડાકાના કારણે આગનીતીવ્રતા વધુ ઝડપી હતી. જેના કારણે કંપનીમાં કામ કરતા તેમજ આગને ઓલવવાનો પ્રયાસ કરનાર બાજુની કંપનીના કામદારો પણ ઈજાગ્રસ્ત થવા પામ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ઘટના સ્થળ પર ધસી આવેલી વાપી તેમજ ઉમરગામના ફાયર બ્રિગેડ જવાની ટીમે આગ ઉપર કાબુ મેળવે ત્યાં સુધીમાં કંપનીમાં રાખેલ રો-મટીરીયલ, ફિનિશ ગુડસ સહિતની સામગ્રીને ભારે નુકસાન થવા પામ્યું હતું.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2024/05/Dehari-company-fire-960x720.jpeg)
Next Post