(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.19: ચીખલી તાલુકામાં એક જ દિવસમાં ત્રણ અલગ અલગ બનાવમાં એક મહિલા સહિત ત્રણ જેટલાનું મોત નીપજ્યું હતું.
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના બામણવેલ પારસી ફળીયા ખાતે રહેતા મનીષ સોમાભાઈ રાઠોડ (ઉ.વ 34) જે પારસી ફળીયા પાસે ગુજરાતી સ્કૂલની પાછળ આવેલ નહેરમાં સવારના દસેક વાગ્યાના સમયે કપડા ધોવા માટે ગયો હતો. દરમ્યાન પોતાનો પગ અચાનક લપસી જતા નહેરના ઊંડા પાણીમાં પડી જતા ડૂબી જતાં જેનું મોત નીપજ્યું હતું. બનાવની ફરિયાદ સાવન કોલાભાઈ રાઠોડ (ઉ.વ.આ-24) એ કરી હતી.
જ્યારે બીજા બનાવમાં સુંથવાડ દીવાન ફળીયા ખાતે રહેતી મીનાક્ષીબેન વિપુલભાઈ પટેલ (ઉ.વ-35) પતિ વિપુલ સાથે રાત્રીના સમયે મોટર સાયકલ ઉપર ચીખલી ખરીદી કરવા આવી હતી. દરમ્યાન પરત સુંથવાડ ઘરે જતી વેળા આલીપોર ભેંસાણીયા ફળીયા સર્વિસ રોડ ઉપર અચાનક મીનાક્ષી પટેલને ચક્કર આવતા અને મોટર સાયકલ પરથી નીચે પડતા માથાના ભાગે વાગતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવ અંગેનીફરિયાદ પતિ વિપુલ રમેશભાઈ પટેલ (ઉ.વ-40) (રહે.સુંથવાડ દીવાન ફળીયા તા.ચીખલી) એ કરી હતી.
જ્યારે ત્રીજા બનાવમાં ચીખલીના હલધરું કામરેજ ખાતે રહેતા અમરદીપ સુરેશ પાટીલ જે અમદાવાદ ખાતે આવેલ મારુતિ એર સિસ્ટમ કંપની તથા ગ્રીન ટેક ઈલેક્ટ્રિકલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ કંપનીનું કામ કરતો હોય અને આ બંને કંપનીઓ ચીખલીના સુંથવાડ સ્થિત વારી કંપનીમાં કોન્ટ્રાકટ રાખેલ હોય જે કંપનીમાં સૂરજ કિશોર બાસકોડ તથા અમરદીપ સુરેશ પાટીલ સાથે વારી કંપનીના એઇએસ પ્લાન્ટમાં કામ કરી રહ્યા હતા. દરમ્યાન આશરે 25-ફૂટ ઉપર થાંભલા પર ચડીને પંખો ફિટ કરી રહ્યો હતો તે સમયે કંપનીના આઈ બીમમાં અમરદીપ પાટીલ નીચે પટકાતા ડાબા હાથ તથા ગળાના ભાગે ઈજાઓ થતા સારવાર અર્થે ચીખલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવ અંગેની ફરિયાદ અમોલ નારાયણ પાટીલ (ઉ.વ-29) (રહે.સુરાયગામ તા.શીંગખેડા જી.ધૂલિયા, મહારાષ્ટ્ર) એ કરતા ઉપરોક્ત ત્રણેય ગુનાની તપાસ પીએસઆઇ-જે.બી.જાદવ કરી રહ્યા છે.