(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.01: ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે અતુલ રૂરલ ડેવલોપમેન્ટ ફંડના સહયોગથી શ્રી જય અંબે નવયુવક મંડળ અને શ્રી જય અંબે મહિલા મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સતત છેલ્લા આઠ વર્ષથી આ મંડળો દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં આ વર્ષે પણ રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લેતા 278 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર, ભાજપ સંગઠન પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી તેમજ જિલ્લા પંચાયતના સભ્ય શ્રી મુકેશભાઈ પટેલ અને શ્રી દિપકભાઈ મિષાી તેમજ સંજાણ પંચાયતના સરપંચશ્રી ગુલાબભાઈ ધોડી, સ્થાનિક આગેવાન શ્રી પ્રદીપભાઈ બુલચંદાની અને શ્રી નરેશભાઈ પરમાર વગેરેની ઉપસ્થિતિ જોવા મળી હતી. આ પ્રસંગે ભાજપા તાલુકા સંગઠનના પ્રમુખશ્રી દિલીપભાઈ ભંડારી અને ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકરે જય અંબે નવયુવક મંડળ અને જય અંબે મહિલામંડળની કામગીરીને બિરદાવવા સાથે રક્તદાન માટે ઉપસ્થિત રક્તદાતાઓની પ્રશંસા કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.