વિકરાળ આગને ઓલવવા દસથી વધુ ફાયરના વાહનો સાથે ફાયર ફાઈટરોએ ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર મેળવેલો કાબૂઃ ફાયરના એક જવાનને પહોંચેલી નજીવી ઈજા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23 : શનિવારે દાદરા નગર હવેલીના નરોલી ગામના કનાડી ફાટક નજીક આવેલ પ્રમુખ પૉલી પ્રોડક્ટ્સ નામની કંપનીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.
પ્રાપ્ત વિગતો પ્રમાણે નરોલી કનાડી ફાટકનજીક આવેલ પ્રમુખ પૉલી પ્રોડક્ટ્સ કંપનીમાં શનિવારની સવારના 11:00 વાગ્યાના સુમારે ઈલેક્ટ્રીક સરકીટમાં ધમાકો થયો હતો. ધમાકા દરમિયાન તેમાંથી તણખાં ઉડતા તે કંપનીની પ્રોડક્ટ્સ પર પડતા તાત્કાલિક આગ પકડી લીધી હતી. જોતજોતામાં સામાન્ય તણખામાંથી આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું અને આખી કંપનીને આગના ભરડામાં લઈ લીધી હતી. વિકરાળ આગના કારણે આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા આકાશ તરફ જોવા મળ્યા હતા.
કંપનીની પ્રોડક્ટ્સ કેમિકલ ભરેલ ડ્રમમાં પણ આગ પકડી લીધેલ હોવાથી ધડાધડ જોરદાર ધમાકાઓ થવા લાગ્યા હતા અને ડ્રમમાં ભરેલું કેમિકલ બહાર ફેંકાઈ રહ્યું હતું જેના કારણે એક લાશ્કર પર કેમિકલ ઉડતા તેમને સામાન્ય ઇજા પણ પહોંચી હતી.
અચાનક લાગેલી આગથી હેબતાઈ ગયેલા કંપની સંચાલકો દ્વારા તુરંત સેલવાસ તેમજ નજીક પડતા અન્ય ફાયર વિભાગને ટેલીફોનિક જાણકારી આપી હતી અને ઘટના સ્થળે બોલાવ્યા હતા. જ્યારે કંપનની અંદર કામ કરતા કર્મચારીઓને ઝડપથી રેસ્ક્યુ કરી સલામત રીતે તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ફાયર ફાઈટરોની ટીમ ઘટના સ્થળે પહોંચ્યા બાદ વિકરાળ આગને કાબુમાં લેવાનો ભારે પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ આગે વિકરાળ રૂપ ધારણ કરેલ હોવાથી સેલવાસ, ખાનવેલ, આલોકકંપની, રિલાયન્સ કંપની સહિત વાપી અને સરીગામથી પણ ફાયર ફાઈટરોની ગાડીઓ આગને ઓલવવા બોલાવવામાં આવી હતી. લાશ્કરોએ સૌપ્રથમ લીક્વિડ ફોમ દ્વારા આગ પર કાબુ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, અને ત્યારબાદ પાણીનો સતત મારો ચલાવવામાં આવ્યો હતો.
આ કંપની પરિસરમાં પાછળના ભાગે કર્મચારીઓના રહેવા માટે ચાલી પણ બનાવવામાં આવેલ હોવાથી તેમાં રહેતા કેટલાક કર્મચારીઓને આગ લાગતાની સાથે તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જેના કારણે તેઓને સમયસર બચાવી લેવામાં આવ્યા હતા. ઘટનાની જાણ સેલવાસના રેસિડન્સ આર.ડી.સી., દાનહના ડિઝાસ્ટર વિભાગ, મામલતદાર તેમજ પોલીસ વિભાગને થતાં તેઓની ટીમો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ફાયર ફાઈટરોના જવાનોની ત્રણ કલાક જેટલી ભારે જહેમત બાદ વિકરાળ આગ ઉપર કાબુ મેળવાયો હતો. મળતી માહિતી પ્રમાણે આ ઘટનામાં કોઈને પણ ઇજા કે જાનહાનીની ઘટના બનવા પામેલ નથી.