(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.20: કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ગાંધીપરા કોમ્યુનિટી હોલ મુખ્ય રસ્તા ઉપર આજે ઈકો કારે પલ્ટી મારી ઓટોરિક્ષાને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાંએક બાળકનું મોત થયું જ્યારે અન્ય ેકેટલાક ઘાયલ થયા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દીવની ઓટો રિક્ષા નાગવા તરફ જતી હતી, જેમાં બરોડાના પર્યટકો હતા અને એક દીવની સ્થાનિક મહિલા હતી. દીવ ગાંધીપરા મેઈનરોડ પર ઈકો ગાડી પલ્ટી મારતાં તેને ઓટો રિક્ષાને અડફેટે લેતાં ઓટો રિક્ષામાં બેસેલા પર્યટકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જ્યારે ઈકો કારમાં રહેલ પર્યટકોમાંથી એક ભાવનગરનો પર્યટક ઘાયલ હોવાથી તેને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા જ્યારે તેમના બીજા સાથીઓ નાશી છૂટયા હતા. અકસ્માત સર્જાતા ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન એક બાળકને મૃત ઘોષિત કરવામાં આવ્યું હતું. જ્યારે અન્ય ઈજા પામેલા પર્યટકો તથા સ્થાનિકોને પ્રાથમિક સારવાર આપી હતી. જ્યારે ઓટો રિક્ષા ડ્રાઈવર અને એક પર્યટકને વધુ સારવાર માટે ઉના રિફર કરવામાં આવ્યા હતા. ઓટો રિક્ષામાં સવાર પર્યટકો બરોડાના રહેવાસી હોવાની માહિતી મળી છે. જ્યારે ઈકો કારમાં સાવર પર્યટકો નાશી છુટતા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરી છે. આ અકસ્માત સર્જાતા દીવ જિલ્લાના એસ.પી. શ્રી ફુલઝેલે પિયુષ નિરાકર, એસ.ડી.પી.ઓ. શ્રી સંદિપ રૂપેલા, પી.એસ.આઈ. દિપીકા ભગત તથા પોલીસ કર્મીઓ હોસ્પિટલ તથા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોની પરિસ્થિતિની જાણકારી મેળવી હતી.