કેટલાક રસ્તાઓનું નવનિર્માણ કાર્ય ખુબ ધીમી ગતિએ ચાલી રહ્યું છે તેમાં ઝડપ લાવવા અને ગુણવત્તા સાથે સમયમર્યાદામાં પૂર્ણ કરવા સાંસદ કલાબેન ડેલકરની તાકિદ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20 : દાદરા નગર હવેલીના વર્તમાન સાંસદ અને લોકસભાની દાનહ બેઠકના ભાજપના ઉમેદવાર શ્રીમતીકલાબેન ડેલકરે આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ લોકોને પરેશાનીનો સામનો નહીં કરવા પડે તે માટે પ્રદેશના તમામ બિસ્માર, ખખડધજ અને જર્જરિત રસ્તાઓનું તાત્કાલિક ધોરણે મરામ્મતનું કામ ચાલુ કરવા જિલ્લા કલેક્ટરશ્રીને લેખિત રજૂઆત કરી છે.
સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે જિલ્લા કલેક્ટરશ્રીને કરેલી લેખિત અરજીમાં જણાવ્યા પ્રમાણે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં રસ્તાઓની હાલત અત્યંત જ ખરાબ થઈ ચુકી છે. જેના કારણે હાલમાં થોડા દિવસો પહેલાં વરસેલા કમોસમી વરસાદને કારણે વાહનચાલકો સહિત પગપાળા આવતા-જતાં લોકોને ભારે પરેશાનીનો સામનો કરવા પડયો હતો. દાનહમાં પ્રશાસન દ્વારા મોટાભાગના રસ્તાઓનું નવનિર્માણ કરવામાં આવી રહ્યું છે આવકારદાયક છે. પરંતુ ઘણી જગ્યાએ રસ્તાઓના નવનિર્માણનું છેલ્લા કેટલાક સમયથી સાવ ધીમી ગતિએ ચાલી રહ્યું છે અને કેટલાક વિસ્તારમાં તો નિર્માણકાર્યો ઘણાં લાંબા સમયથી બંધ પણ પડયા છે. તેથી આવનાર ચોમાસાની ઋતુને નજર સમક્ષ રાખી પ્રદેશના લોકોની ચિંતાઓ વધી જવા પામી છે. કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી ખાસ કરીને ચોમાસા દરમ્યાન રસ્તાઓની હાલત એટલી ખરાબ થઈ જતી હોય છે કે, લોકોને રસ્તા પરથી પસાર થવું અત્યંત મુશ્કેલ બની જાય છે. ખખડધજ તેમજ નવનિર્માણ કાર્ય હેતુખોદી નાંખેલા રસ્તાઓના કારણે અકસ્માતની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. ચોમાસા દરમિયાન ઘણી જગ્યાઓ ઉપર રસ્તામાં પડેલા ખાડાઓમાં પાણી ભરાઈ રહેવાના વાહનચાલકો ખાડામાં ખાબકી જતા હોય છે અને અકસ્માતનો ભોગ બનતા હોય છે.
રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે એક અઠવાડિયા પહેલાં ખાબકેલા કમોસમી વરસાદના કારણે દૂધની સહિત કેટલાક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાવાના અને કીચડ જમા થવાના કારણે લોકોને આવાગમનમાં ભારે પરેશાનીઓનો સામનો કરવો પડયો હતો. જેથી આપને નિવેદન છે કે દાનહમાં જ્યાં જ્યાં પણ રસ્તા જર્જરિત બની ચુક્યા છે એને તાત્કાલિક રીપેર કરવામાં આવે અને જ્યાં જ્યાં રસ્તાઓનું નવનિર્માણ કાર્ય ચાલી રહ્યું છે એ કામો ક્વોલીટી સાથે સમયમર્યામાં પૂર્ણ કરવામાં આવે કે, જેથી જનતાને ચોમાસા દરમ્યાન ઓછામાં ઓછી તકલીફનો સામનો કરવો પડે.