(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.21: વાપી ડુંગરા દમણગંગા નદી કિનારે પાલિકાની વોટરવર્કસ યોજનાની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે. ખેડૂત પાસે કરોડો રૂપિયામાં પાલિકાએ પાણી યોજના માટે લીધેલી જમીનમાં કેમિકલ વેસ્ટની સાઈટ નિકળતા ચકચાર મચી જવા પામી છે.
વાપી નગરપાલિકા દ્વારા ડુંગરા વિસ્તારમાં પર્યાપ્ત પાણી સુવિધા ઉપલબ્ધ થાય તે માટે 10મી માર્ચના રોજ નાણા મંત્રીએ ડુંગરામાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાયું હતું. જેમાં પાણી યોજના અંડરગ્રાઉન્ડ સંપ, 1500 મીટરની મેઈન લાઈન હાઈ રાઈઝ પાણીની ટાંકી વગેરે રૂા.31.15 કરોડની વોટર ટ્રીટમેન્ટ સાથેની યોજનાનું ખાતમુહૂર્ત નાણામંત્રી કનુભાઈ દેસાઈને હસ્તે કરાયું હતું. આ યોજના સાકાર કરવા માટે પાલિકાએ આંબાવાડી વાળી જમીન ખેડૂત પાસે કરોડો રૂપિયામાં ખરીદી હતી. અત્યારે હાલમાં ડુંગરા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સામે આ યોજનાની કામગીરી પુરઝડપે ચાલી રહી છે ત્યારે કામગીરી દરમિયાન જમીનમાંથી મોટાપાયે કેમિકલ યુક્ત કચરો બહાર નિકળી રહ્યો છે. જેથી કેમિકલ યુક્ત દુર્ગંધ મારતુ પાણી નિકળી રહ્યું છે. જેથી સાઈટ ઉપર કામ કરતા કામદારો અને કોન્ટ્રાક્ટર માટે આ હકિકત માથાનો દુખાવો બની રહેલ છે. નજીકથી પસાર થતા શહેરીજનો પણ ભોગ બની રહ્યા છે ત્યારે સવાલથાય છે કે કોના ઈશારો કરોડો રૂપિયા પાલિકાના સત્તાધિશોએ વેડફી નાખ્યા? શું કેમિકલ વેસ્ટ વાળી જમીન ખેડૂત પાલિકાને પધરાવી સત્તાધિશોને બેવકુફ બનાવી ગયો કે તેમા બન્નેની મિલીભગત તો નથી ને? તેથી આ મામલે તળીયાઝાટક તપાસ થવી જોઈએ તેવી માંગ પ્રબળ બની રહી છે.
