દમણવાડા ગ્રા.પં.ની સ્વચ્છતાથી સંયુક્ત સચિવ પ્રાંજલ હજારિકા અને નોડલ ઓફિસર રાજેશ પટેલ પ્રભાવિત : સ્વચ્છતાની આદત કાયમ જાળવી રાખવા પણ કરેલી તાકીદ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.13
દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા આજે ‘સ્વચ્છતા દિવસ’ની ઉજવણી ‘આદતોને બદલવાના અભિયાન’ની સાથે કરવામાં આવી હતી. જાહેર બાંધકામ વિભાગના સંયુક્ત સચિવ શ્રી પ્રાંજલ હજારિકાના દિશાનિર્દેશ અને માર્ગદર્શન હેઠળ જાહેર બાંધકામ વિભાગના આસિ. એન્જિનિયર નોડલ ઓફિસર શ્રી રાજેશભાઈ સી.પટેલની મસલત સાથે સરપંચ શ્રી મુકેશ ગોસાવી, જિ.પં.સભ્ય શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલ, ઉપ સરપંચ શ્રી મિલન રાયચંદ તથા પંચાયતના સભ્યોએ ફાળવેલ શિક્ષકો સાથે ટીમ બનાવી લોકોનેસ્વચ્છતા પ્રહરી એપની બાબતમાં માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જાહેર બાંધકામ વિભાગના સંયુક્ત સચિવ શ્રી પ્રાંજલ હજારિકાને ભામટી માહ્યાવંશી ફળિયામાં છેલ્લા પાંચ-સાત વરસથી વરસાદી પાણીના ભરાવાના કારણે થતાં નુકસાનનો ઉકેલ લાવવા રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ બાબતની જાણકારી માનનીય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને પણ આપવામાં આવેલ છે અને તેમણે જાહેર બાંધકામ વિભાગના સચિવશ્રીને મળી ભવિષ્યમાં કોઈપણ પ્રકારની તકલીફ નહીં પડે તે રીતે ઉકેલ લાવવા કરેલ નિર્દેશની જાણકારી પણ સંયુક્ત સચિવને આપવામાં આવી હતી.
દમણવાડા ગ્રામ પંચાયતની સ્વચ્છતાથી જાહેર બાંધકામ વિભાગના સંયુક્ત સચિવ શ્રી પ્રાંજલ હજારિકા અને નોડલ ઓફિસર શ્રી રાજેશભાઈ સી.પટેલ ખુબ જ પ્રભાવિત થયા હતા અને આ પ્રકારે સ્વચ્છતા જાળવી રાખવા પણ તાકીદ કરી હતી.