(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22 : દાદરા નગર હવેલીના નરોલી ગામે ભીલોસા કંપનીમાં નોકરી કરતો યુવાન સવારે એના મિત્ર સાથે કંપની પર જઈ રહ્યા હતા તે સમયે કનાડી ફાટક નજીક પાછળથી આવતી ટ્રકે ટક્કર મારતા બાઈક પર પાછળબેઠેલા યુવાન નીચે પટકાતા ગંભીર ઇજા થતાં ઘટના સ્થળ પર જ મોત થયું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર મનિષ દત્તનારાયણ (ઉ.વ.21) હાલ રહેવાસી સાયલી, મૂળ રહેવાસી ઓરિસ્સા. જે નરોલી ગામે ભીલોસા કંપનીમાં નોકરી કરે છે અને સવારે એના મિત્ર સાથે બાઈક પર નોકરી પર જવા માટે નીકળ્યા હતા તે સમયે કનાડી ફાટક નજીક પાછળથી આવતી ટ્રક નંબર ડીએન-09 એમ-9711ના ચાલકે ટક્કર મારતા બાઈક પર પાછળ બેસેલ મનીષ નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં ઘટના સ્થળ પર જ મોત થયું હતું. આ ઘટના અંગે નરોલી પોલીસને જાણ થતાં સ્થળ પર પહોંચી યુવાનની લાશનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ (પી.એમ.) માટે સેલવાસ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને ટ્રકના ચાલકની અટક કરી પોલીસ સ્ટેશને જવામાં આવ્યો હતો. ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ નરોલી પોલીસ કરી રહી છે.
