આરોગ્ય વિભાગમાં ટીબીના દવાની અછત સર્જાતા સરકારની ટીબી મુક્ત ભારત અભિયાન સામે ઉઠી રહેલા અનેક પ્રશ્નો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.23: સરકાર દ્વારા મોટા ઉપાડે ટીબી મુક્ત ભારતનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે બીજી તરફ છેલ્લા 20-25 દિવસથી ટીબીના દર્દીઓ માટેની જરૂરી દવાનો જથ્થો આરોગ્ય વિભાગમાં ઉપલબ્ધ નથી અને દર્દીઓએ બહારથી આ મોંઘીદાટ દવા ખરીદવાની નોબત આવી છે. જેને પગલે દર્દીઓ કફોડી હાલતમાં મુકાયા છે. જોકે ટીબીની આ દવા કેન્દ્રકક્ષાએથી જ આવતી હોય ચીખલી સાથે સમગ્ર જિલ્લા અને રાજ્યમાં આ દવાની અછત સર્જાઈ હોવાનું જાણવા મળ્યું હતું.
સરકાર દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન ચલાવી ટીબીના દર્દીઓને આરોગ્ય વિભાગના કર્મચારીઓ મારફત જરૂરી દવા સાથેની સારવાર ઉપરાંત છ મહિનાના ગાળામાં બે હપ્તામાં પોષણક્ષમ આહાર માટે ત્રણ હજાર રૂપિયાની પોષણ સહાય પણ ચૂકવતી હોય છે. તેમાં પણ બેન્ક ખાતાઓ સહિતના કારણોસર અનિયમિતતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
ઉપરોક્ત સ્થિતિમાં સરકાર દ્વારા ટીબીના દર્દીઓને આરોગ્ય વિભાગ મારફતે સમયસર પૂરતી માત્રામાં દવાનો જથ્થો ઉપલબ્ધ કરાવવા અને સહાય પણ નિયમિત ચૂકવાઈ તે દિશામાં તકેદારી રાખવામાં આવે તે જરૂરી છે.
તાલુકાના આરોગ્ય અધિકારી ડો.અલ્પેશભાઈના જણાવ્યાનુસાર ટીબીની દવાની 20-25 દિવસ પૂર્વે સમસ્યા હતી. પરંતુ હાલે જન ઔષધિ કેન્દ્ર પરથી દવા ખરીદીને બધા સેન્ટરો પર પહોંચાડવામાં આવી રહી છે. હાલે દવાની સમસ્યા નથી.