મતગણતરી કુલ 21 રાઉન્ડમાં કરાશેઃ બપોરે 1:00 વાગ્યા સુધીમાં ગણતરી પૂર્ણ કરવાનું લક્ષ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27: લોકસભા-2024ની દાદરા નગર હવેલી બેઠકની ચૂંટણી ગત તા.7મી એના રોજ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન(ઈવીએમ) દ્વારા યોજાઈ હતી. આ ઈવીએમ મશીનોને કરાડ પોલીટેકનીક કોલેજના સ્ટ્રોંગ રુમમાં સીલ કરવામાં આવ્યા છે જેની ચુસ્ત રીતે પોલીસના જવાનો દિવસ-રાત સંભાળ રાખી રહ્યા છે. હવે આગામી 4થી જૂને મત ગણતરી કરવામાં આવશે જેના માટે દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. દાનહ બેઠક ઉપર ચૂંટણીમાં પાંચઉમેદવારો મેદાને છે. કુલ 21 રાઉન્ડમાં મત ગણતરી કરવામાં આવશે. અંદાજીત બપોરે એક વાગ્યા સુધીમાં મતગણતરી પૂર્ણ થવાની ગણતરી છે.
આ બેઠક પર કુલ 2,83,035 મતદારો છે જે પૈકી 1,48,095 પુરુષ અને 1,34,929 મહિલા મતદારો છે. દાનહમાં કુલ 66.28 ટકા મતદાન થયું હતું. લોકસભાની ચૂંટણી માટે પાંચ ઉમેદવારોમાં કોંગ્રેસના ઉમેદવાર શ્રી અજીતભાઈ માહલા, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકર, બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર શ્રી સંદીપભાઈ બોરસા, ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર શ્રી દિપકભાઈ કુરાડા અને એક અપક્ષ ઉમેદવાર શ્રી શૈલેષભાઈ વરઠા એમ પાંચ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. દરેક ઉમેદવાર પોતપોતાની રીતે જીતનો દાવો કરી રહ્યા છે.