પારડીના આમળીનો ધીરજ નરેશ પટેલ, સુખેશના કૃતિક પટેલ અને મિતલ મનોજ પટેલની ધરપકડ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.28: ધરમપુરમાં ગતરાત્રે આઠ વાગ્યાના સુમારે ત્રણ યુવાનો નકલી પોલીસ બનીને ચિકન શોપ સંચાલકને ધમકી આપી 10 હજારનો તોડ કરવાનો કારસો પાર પાડે તે પહેલા અસલી પોલીસે પારડી તાલુકાના આમળી અને સુખેશ ગામના ત્રણ યુવાનોને ઝડપી પાડયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર ધરમપુરના બોર્ડરમાં આવેલ ખામદહાડ ખાતે બેલુ મંગલુ ગવડી ચિકન શોપ ચલાવે છે. સોમવારે રાત્રે ત્રણયુવાનો પોલીસનો સ્વાંગ રચીને ચિકન શોપ સંચાલકને ધમકી આપી હતી અને પોલીસવાળા છીએ તારી વિરૂધ્ધ દારૂ વેચાણની અરજી મળે છે. જો પતાવટ કરવી હોય તો 10 હજાર રૂપિયા આપ. ચિકન શોપ સંચાલક બેલુને શંકા જતા તેને પોલીસ હોવાના પુરાવા માંગતા ત્રણેય ફસડાઈ પડતા દુકાનેથી બાગી છૂટયા હતા. પણ બેલુએ બુમાબૂમ કરતા લોકોએ એકને પકડી લીધો હતો. નામ પૂછપરછ કરતા તેણે ધીરજ નરેશ પટેલ પારડી આમળી હોવાનું જણાવેલ તેથી ચિકન શોપ સંચાલકે પોલીસને જાણ કરતા પી.એસ.આઈ. આર.કે. પ્રજાપતિ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પકડાયેલ યુવકને અન્ય બે ના નામની પૂછપરછ કરતા ધીરજ પોપટની જેમ બોલી ગયો હતો. જણાવેલ અન્ય કૃતિક ઈશ્વર પટેલ અને મિત્તલ મનોજ પટેલ બન્ને રહેવાસી સુખેશ ત્યાર બાદ પોલીસે ભાગી છૂટેલ બે યુવકોને ઝડપી પાડી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. ઘટના અંગે શોપ સંચાલક બેલુ મંગલુ ગવડીએ ફરિયાદ નોંધાવી હતી.

