ઓઝર ગામે પતિ-પરિવાર સાથે રહેતી શેફાલીબેન રાકેશ પટેલએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.05: વલસાડ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પરિણિતાઓના આપઘાતના કિસ્સા ચિંતાજનક રીતે વધી રહ્યા છે તેવો વધુ એક આત્મહત્યાનો બનાવ વલસાડના ઓઝર ગામે બન્યો છે. પરિણિતા બપોરે ઘરે એકલી હતી ત્યારે અંદરનો રૂમ બંધ કરી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાના બનેલા બનાવે ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ વલસાડના ઓઝર ગામે 25 વર્ષિય શેફાલીબેન રાકેશભાઈ પટેલ પરિવાર પતિ-સાસુ સસરા સાથે બાવીસી ફળીયામાં રહેતી હતી. ગતરોજ પતિ રાકેશ દુકાને જવા નિકળી ગયો હતો. સાસુ સસરા ખેતરમાં કામકાજ માટે ગયેલા હતા ત્યારે ઘરમાં શેફાલી એકલી હતી તે દરમિયાન કોઈ અગમ્ય કારણોસર ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. બપોરે પતિ રાકેશ ઘરે આવ્યો ત્યારે અંદરના રૂમનો દરવાજો બંધ હતો. બુમાબુમ કરી પણ શેફાલીએ દરવાજો નહી ખોલતા રાકેશએ દરવાજો તોડી નાખ્યો હતો ત્યારે પત્ની આત્મહત્યા કરેલી હાલતમાં મળી આવી હતી. પોલીસને જાણ કરાઈહતી. પોલીસે આકસ્મિક મોત નોંધી તપાસ ચાલુ કરી હતી.