(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24 : દાદરા નગર હવેલીમાં છેલ્લા કેટલાક વર્ષોથી રખડતા ઢોરોની સમસ્યા વકરતી જાય છે. જેના કારણે વાહનચાલકો,રાહદારીઓ, શાકભાજી વિક્રેતાઓને ભારે પરેશાનીનો સામનો કરવા પડી રહ્યો છે. સેલવાસ શહેર હોય કે પછી ગામડાના મુખ્ય રસ્તા હોય, જ્યાં જુઓ ત્યાં દરેક રસ્તાઓ ઉપર દિવસ-રાત રખડતા ઢોરોનો જમાવડો જ જોવા મળે છે. રખડતા ઢોરોના કારણે નાની મોટી દુર્ઘટનાઓ પણ થતી રહી છે. અવર-જવર કરતા વાહન ચાલકો માટે બાધક બની રહ્યા છે, એવામાં વાહન દુર્ઘટનાને કારણે નિર્દોષ લોકોએ પોતાનો જીવ જોખમમાં નાખવા પડે છે. કેટલીક ઘટનામાં મુક પશુઓએ પણ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે.
સેલવાસના ભસતા ફળિયા, આમલી ફુવારા, સરસ્વતી ચોક, ડોકમરડી વિસ્તાર સહિત ગામડાઓમાં સેલવાસ નરોલી રોડ, મસાટ, રખોલી ખાનવેલ સુધી જાહેર રસ્તા પર રખડતા ઢોરોનો જમાવડો જોવા મળે છે. આ પશુઓને અટૂલા છોડી મુકનાર પશુ માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી સ્થાનિક લોકોની બુલંદ માંગી ઉઠી રહી છે.
રખડતા મુંગા પશુઓની સમસ્યાના ઉકેલ માટે સેલવાસ નગરપાલિકાના કાઉન્સિલર શ્રી સુમનભાઈ પટેલે દાનહ જિલ્લા કલેક્ટરશ્રીને લેખિત રજૂઆત પણ કરી છે. શ્રી સુમનભાઈ પટેલે કલેક્ટરશ્રીને કરેલી રજૂઆતમાં જણાવાયું છે કે, પ્રદેશમાં જાહેરમાં રખડતી ગાયો, વાછરડાઓ, બળદ, સાંઢ વગેરેને પકડવા માટે તંત્ર દ્વારા ખાસ ઝૂંબેશ ચલાવવામાં આવેઅને યોગ્ય સ્થળે સહીસલામત રીતે પશુઓને રાખવામાં આવે છે. જેથી લોકોને સમસ્યામાંથી છૂટકારો મળી શકે.
હાલ ચોમાસુ બેઠું છે અને ખેડૂતોના ખેતરમાં વાવણીનું કામ શરૂ થઈ ગયેલ છે. જો આવા રખડતા ઢોરો પર નિયંત્રણ નહિ કરવામાં આવે તો ખેડૂતોના ખેતરોમાં પણ ભારે નુકસાન પહોંચાડી શકે છે. ઉપરાંત હાલ ઘણી જગ્યાએ ગાયો વાહનોની અડફટે આવી જવાથી અકસ્માતોની ઘટનાઓ પણ બની રહેલ છે ગાયો સહિત માણસોને પણ ગંભીર ઇજા થવા પામેલ છે. તેથી આ એક માથાના દુઃખાવા સમાન સમસ્યામાનું નિવારણ તાત્કાલિક ધોરણે કરવામાં આવે જેથી ખેડૂતો અને લોકોને થતા નુકસાનથી રોકી શકાય.
