લેબર ઓફિસરે કંપનીના અધિકારીઓ સાથે વાતચીત કરી સમસ્યાનો નિવેડો લાવવા આપેલી સૂચનાઃ સ્થાનિકોને રોજગારીમાંથી છૂટા કરવાની પેરવી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11: ગુજરાતના વલસાડ જિલ્લાને તેમજ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાને અડીને આવેલ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના પીપરીયા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ સનફાર્મા કંપનીમાં વીસ કરતા વર્ષથી વધુ સમયથી નોકરી કરતાકર્મચારીઓને કંપની સંચાલકો દ્વારા ઈન્દોર ખાતેના નવા પ્લાન્ટમાં શીફટ થવા અથવા તો નોકરીમાંથી રાજીનામુ આપી દેવા માટે જણાવતા કર્મચારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો.
સંઘપ્રદેશમાં હજારોની સંખ્યામાં ઔદ્યોગિક એકમો આવેલા છે, જેમાં મોટાભાગે પરપ્રાંતીય લોકોનું જ દરેક વિભાગના વર્ચસ્વ છે, અહીંના મૂળ નિવાસીઓને વર્ષોથી અન્યાય કરવામાં આવી રહ્યો છે. કંપની દ્વારા પ્રદેશ બહાર સ્થાનિકોને નોકરી માટે જવા દબાણ કરાઈ રહ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર સેલવાસના પીપરીયા વિસ્તારમાં આવેલ સનફાર્મા કંપનીમાં કર્મચારીઓ રાબેતા મુજબ સવારે નોકરી પર આવી ગેટ પર એમના મોબાઈલો જમા કરાવી પોતપોતાના કામે લાગી ગયા હતા. સવારે દસ વાગ્યાના સુમારે મુંબઈ હેડ ઓફિસના અધિકારીઓની ટીમ આવ્યા બાદ વીસ વર્ષ કે તેથી વધુ સમયથી કંપનીમાં ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓને અલગ અલગ ગાડીઓમાં બેસાડી અલગ અલગ હોટલોમાં લઈ જઈ તેઓને જણાવેલ કે તમારે હવે ઇન્દોર ખાતેના નવા પ્લાન્ટમાં નોકરી કરવાની છે અને જે કોઈએ ત્યાં નહીં જવું હોય તો અત્યારે જ અમને નોકરીમાંથી રાજીનામુ આપી દો. તે સમયે કર્મચારીઓએ અધિકારીઓને જણાવેલ કે અમને થોડો સમય આપો જેથી અમારા પરિવાર સાથે વાતચીત કરીએ. પરંતુ કંપનીના અધિકારીઓએકર્મચારીઓની વાતનો અસ્વીકાર કર્યો હતો. ત્યારબાદ જે કર્મચારીઓને અલગ અલગ હોટલોમાં લઈ જવામાં આવ્યા હતા તેઓને પરત કંપની બહાર છોડી મુકવામાં આવ્યા હતા.
આ ઘટના અંગે દાનહ પ્રશાસનના લેબર વિભાગના અધિકારીને જાણ કરાતા તેઓ તાત્કાલિક કંપનીમાં પહોંચી ગયા હતા અને કંપની સંચાલકો સાથે વાતચીત કરી હતી. ત્યારબારદ સુખદ નિવેડો લાવવાનો પ્રયાસ કરવાની કોશિશ કરી હોવાની જાણકારી મળતા કર્મચારીઓમાં થોડી રાહતની લાગણી જોવા મળી હતી. હાલમાં તો અંદાજીત પચાસથી વધુ કર્મચારીઓની બદલી અથવા તો નોકરી જવાના બીકે નિરાશામાં ગરકાવ થયા હોવાનું જાણવા મળ્યું હતું. બીજી બાજુ કંપની સંચાલકોએ 17 જૂન,2024 સુધીમાં કર્મચારીઓને પોતપોતાનો નિર્ણય જણાવવા જણાવ્યું છે. નહીંતર તેઓએ ઇન્દોર જવાની તૈયારી રાખવી પડશે ક્યાં તો નોકરી છોડવી પડશે. અથવા અન્ય અલગ અલગ રાજ્યમાં આવેલા કંપનીના પ્લાન્ટમાં જવા અંગેની વિચારણા કરવા કર્મચારીઓને મહેતલ આપી હતી.