અત્યાર સુધી 108 બિલ્ડીંગ ચેકિંગ કરાયા છે તે પૈકી 3 ગેમ ઝોન સીલ કરાયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.16: રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની ઘટેલી ગોઝારી આગની ઘટના બાદ ગુજરાત સરકાર અને હાઈકોર્ટે સમગ્ર રાજ્યમાં ફાયર સેફટી અંગે કરેલી તાકીદ બાદ રાજ્યમાં ફાયર સેફટી અભિયાન પુરજોશમાં ચલાવાઈ રહ્યું છે. રાજ્યની તમામ નગરપાલિકા અને કોર્પોરેશનો સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, કોમર્શિયલ બિલ્ડિંગ, ગેમ ઝોન, જાહેર મનોરંજન સ્થળોએ ફાયર સેફટી પૂર્તતા અંગેની ચકાસણી ચાલી રહી છે તેમજ કસુરવાર કે ક્ષતિગ્રસ્ત સ્થિતિ જોવા મળે તેવા સ્થળોને સીલ કરવામાં આવી રહ્યા છે.
વાપી નગરપાલિકા દ્વારા સરકારની સુચના બાદ શહેરની 108 બિલ્ડિંગ (કોમર્શિયલ) સહિતની ચેકિંગ કરવામાં આવી છે. જેમાં બિલ્ડિંગમાં ફાયર સેફટી એન.ઓ.સી. મળેલ નથી તેને સીલ કરાઈ છે. તદ્દઉપરાંત 5 ખાનગી સ્કૂલ બીયુ પરમિશન નહી ધરાવતી હોવાથી સીલ કરાઈ છે. જો કે ઈમ્પેક્ટ અરજી કરવાની છુટ અપાઈ છે. જે સોલ્વ થવાથી સીલ પ્રક્રિયા રદ્દ કરવામાં આવશે. કારણ કે બાળકોના ભવિષ્ય સાથેસંકળાયેલો મામલો છે. તદ્દઉપરાંત અત્યાર સુધી વાપીમાં 3 ગેમ ઝોન સીલ કરાયા છે અને અન્ય 10 એકમ સીલ કરવામાં આવ્યા છે.