વાપી ડેપોના એટીઆઈ ધનસુખ પટેલની મહામંત્રી તરીકે બિનહરીફ વરણી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.16: આજરોજ એસટી કર્મચારી મંડળ વલસાડ વિભાગની સાધારણ સભા વલસાડ જિલ્લા પંચાયત કચેરીની પાછળ આંબેડકર હોલમાં રાખવામાં આવી હતી. જેમાં દયારામ ભંડારીના પ્રમુખપણા હેઠળ વલસાડ ડેપો, ધરમપુર ડેપો, બીલીમોરા ડેપો, નવસારી ડેપો, વાપી ડેપો, વિભાગીય વર્કશોપ,વિભાગીય કચેરી તેમજ આહવા ડેપોના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સર્વાનુમતે વાપી ડેપોના એ.ટી.આઈ. ધનસુખ એમ. પટેલને બિનહરીફ સત્તરમી વખત મહામંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. જ્યારે વિભાગીય કચેરીના વહિવટી શાખામાં ફરજ બજાવતા મનોજભાઈ પટેલને પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે. જ્યારે ખજાનચી તરીકે બાંધકામ શાખામાં ફરજ બજાવતા એ.ટી.આઈ. ભુપેશભાઈ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. તમામ ડેપોમાંથી તમામ હોદ્દેદારો, કારોબારી સભ્યો, 96/3 સભ્યો, સમયપત્રક સમિતિના સભ્યો, ડેપો સેક્રેટરી, યુનિટ પ્રમુખ, મહામંડલના સભ્યો તેમજ તમામ ડ્રાઈવર, કંડક્ટર મિત્રો હાજર રહ્યા હતા. સભાનું સંચાલન વાપી ડેપોના રજનીભાઈ પટેલ તેમજ વલસાડ ડેપોના નિશારભાઈ શેખ દ્વારા કરવામાં આવ્યું હતું.