-
રોડના કામો પણ મજબૂત અને દરેક સિઝનમાં ટકી શકે તેવા મજબૂત બનાવવાનો આગ્રહ
-
આરોગ્ય, શિક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના પ્રોજેક્ટોનું પ્રશાસકશ્રીએ કરેલું નિરીક્ષણઃ પ્રશાસકશ્રીના નિરીક્ષણ બાદ રખોલી-સામરવરણી રસ્તાના કામમાં ગતિ અને વરસાદ દરમિયાન વાહનચાલકો અને રાહદારીઓને તકલીફ નહીં પડે તેવી વ્યવસ્થા ઉભી થવાની વધેલી સંભાવના
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે દાદરા નગર હવેલી મુલાકાતના બીજા દિવસે આરોગ્ય, શિક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના પ્રોજેક્ટોનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ વિકાસકામોમાં ગુણવત્તાની દૃષ્ટિએ કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં માનતા નથી. રોડના કામો પણ મજબૂત અને દરેક સિઝનમાં ટકી શકે તેવા બનાવવાનો સખત આગ્રહ તેઓ રાખે છે, જેના કારણે કેટલીક વખત કામોમાં વિલંબ થવાની પણ સંભાવના રહે છે. પરંતુ પ્રશાસક શ્રી ગુણવત્તાની સાથે નિર્ધારિત સમયમર્યાદામાં કાર્ય પૂર્ણ થાય તે માટે આગ્રહી હોવાથી નિયમિત પોતે પણ નિયમન કરતા રહે છે.
આજે પ્રશાસક શ્રીપ્રફુલભાઈ પટેલે ખાનવેલ જંક્શનથી ખડોલી રોડ, નેશનલ હાઈવે 848-એ રખોલી-ખડોલી-વેલુગામ રોડ, ખડોલી હેલ્થ વેલનેસ સેન્ટર, સાતમાલિયા પ્રવેશ દ્વાર, પાટી આયુષ હોસ્પિટલ, રખોલી બ્રિજ, ગવર્નમેન્ટ હાઈસ્કૂલ, રખોલી-સામરવરણી રોડ, મસાટ પડિયારાપાડા પ્રાથમિક સ્કૂલ, ઓ.આઈ.ડી.સી. ગોડાઉન મસાટ, પ્રાઈમરી સ્કૂલ સામરવરણી, સામરવરણી હેલ્થ વેલનેસ સેન્ટર, શહિદ ચોક રોડ ખાતે આવેલ યાત્રી નિવાસ, અથાલ બ્રિજ, સેલવાસ સ્માર્ટ સીટી રોડ, શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલ સહિતના નિર્માણાધિન પ્રોજેક્ટોની મુલાકાત લઈ તેનું નિરીક્ષણ કરી ગુણવત્તા અને પ્રગતિની ચકાસણી કરી હતી.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સ્થળ ઉપર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને નિર્ધારિત સમયમર્યાદામાં ગુણવત્તાની સાથે પ્રોજેક્ટો પૂર્ણ કરવા નિર્દેશ આપ્યા હતા.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મુલાકાત બાદ રખોલી-સામરવરણી રોડના કામકાજમાં ગતિ આવશે અને વરસાદમાં લોકોને અવર-જવર માટે તકલીફ નહીં પડે તેની તકેદારી જવાબદાર કોન્ટ્રાક્ટરો દ્વારા લેવાશે એવી આશા બળવત્તર બની છે.