(વર્તમાનપ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.16 : શનિવારે દમણ જિલ્લાની સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળામાં ખારીવાડીમાં ધોરણ 1માં પ્રવેશ લેતા નાના બાળકોને આનંદ-ઉત્સાહ સાથે શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંઘપ્રદેશના પી.ડબ્લ્યુ.ડી. વિભાગના સચિવ અસગર અલી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી બાળકોનું ઉત્સાહવર્ધન કર્યું હતું.
ધોરણ 1ના બાળકોને તેમના વાલીઓ સાથે નાની બાલિકા વિદ્યાર્થિનીઓ દ્વારા તેમના વાલીઓ સાથે શણગારાયેલા છોટા હાથી ટેમ્પોમાં દ્વારા રેલી કાઢીને પ્રવેશ લેતા બાળકોને શાળાએ લઈ જવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્ય અતિથિશ્રીએ ધોરણ 1માં પ્રવેશ લેતા તમામ બાળકોને તિલક લગાવ્યા બાદ સોનાના સિક્કા સાથે ગુલાબનું ફૂલ અને ચોકલેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. ઉપસ્થિત તમામ મહેમાનોએ દીપ પ્રગટાવીને માઁ સરસ્વતીની પૂજા-પ્રાર્થના કરવામાં આવી હતી.
આ પ્રસંગે શાળાના મુખ્ય શિક્ષિકા શ્રીમતી બીનાબેન ઉપાધ્યાયે ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું ધોરણ 1માં પ્રવેશ લેતા તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ગત વર્ષે વર્ગમાં પ્રથમ સ્થાન મેળવનાર ધોરણ 1 થી 8ના તમામ વિદ્યાર્થીઓને ઈનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મુખ્ય મહેમાન શ્રી અસગરઅલી સર એવાલીઓને સરકારી શાળાનું મહત્વ સમજાવ્યું હતું અને શાળામાં વાલીઓની ભૂમિકા વિશે માર્ગદર્શન આપ્યું હતું. શિક્ષક શ્રી રમેશભાઈએ આ પ્રવેશોત્સવ કાર્યક્રમની શોભા વધારવા બદલ મુખ્ય અતિથિ, તમામ સભ્યો, ગ્રામજનો, વાલીઓ અને શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રવેશોત્સવના આ કાર્યક્રમને સફળ બનાવવા ખારીવાડી શાળાના મુખ્ય શિક્ષક શ્રીમતી બીનાબેન ઉપાધ્યાય, મોડેલ શાળાના મુખ્ય શિક્ષક શ્રી કિરીટ ભંડારી તેમજ ખારીવાડી અને ઉચ્ચ પ્રાથમિક મોડેલ શાળાના શિક્ષકગણનો વિશેષ સહયોગ રહ્યો હતો.
