(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
પારડી, તા.24: સલવાવ પાસે હાઇવેની વચ્ચે બનેલ ગટર લાઇનમાં ગાય ફસાઈ ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ત્યાંથી રસ્તો ઓળંગતા એક ડ્રાઈવરને ગાયગટરમાં પડેલી હોય દેખાઈ આવી હતી અને તેણે તરત જ સ્થાનિક લોકોને આ વિશે માહિતી આપી હતી, સ્થાનિકો દ્વારા તરત જ ટિંકુ મેમોરિયલ ટ્રસ્ટના નિલેશભાઈ રાયચુરાને આ વિશે માહિતી આપી હતી. જાણકરી મળતાં તરત જ તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જોકે હાઇવે લાઈન વ્યસ્ત હોવાથી ગાયને કાઢતી વખતે કોઈ અણબનાવ ના બને એ માટે હાઇવે ઓથોરિટી અને વાપી જીઆઇડીસી નોટીફાઇડ એરિયા ફાયર વિભાગને પણ આ વિશે જાણકરી આપી દેવામાં આવી હતી. ગણતરીના સમયમાં ફાયર વિભાગ, નિલેશ રાયચુરા અને વાપી એનિમલ રેસ્કયું ટીમ તથા સ્થાનિકો દ્વારા તરત જ ગાય ને દોરડા વડે બાંધી ગટરમાંથી સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવી હતી. ગાયને કાઢતી વખતે ટ્રાફિક કંટ્રોલ માટે મુંબઈ તરફ જતા હાઇવેને થોડા ક્ષણ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. જેથી કોઈ અકસ્માત થવાની સંભાવના ન રહે. જોકે છેલ્લા અઠવાડિયાથી રખડતા ઢોર અને અન્ય જીવો ગટર ચેમ્બરમાં પડી જવાની ઘટનાઓ વધી ગઈ છે. જેનું મુખ્ય કારણ ગટરની ઉપર લગાવેલ ઢાંકણાઓ ખુલ્લા નજરે ચડી રહ્યાં છે. રોસે ભરાયેલ લોકો દ્વારા પ્રશાસનને અનુરોધ છે કે જ્યાં પણ ખુલ્લા ગટરના ઢાંકણાઓ દેખાય એ ત્વરિતે બંધ કરી દેવા જોઈએ જેથી કોઈ પશુ કે મનુષ્યને જાનહાનિ નથાય.