(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19 : દાદરા નગર હવેલીના રખોલી ગામે દમણગંગા નદીના પુલ પર 12મી જૂનના રોજ મોટું ગાબડું પડયું હતું. જેના કારણે તાત્કાલિક અસરથી બ્રિજ પરથી ભારે વાહનોના અવર-જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ પુલનું સમારકામ હજુ પણ ચાલી રહ્યું હોવાના કારણે દાદરા નગર હવેલી કલેક્ટર દ્વારા જારી કરાયેલ અખબારી યાદી મુજબ રખોલી બ્રિજ પરથી ભારે અને અતિ ભારે તેમજ કોમર્શિયલ વાહનોને 13 જૂનથી 18 જૂન સુધી પસાર થવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જેને હવે અધૂરા કામના કારણે વધારી આગામી 23 જૂન સુધી ભારેથી અતિ ભારે અને કોમર્શિયલ વાહનોને આ પુલ પરથી પસાર થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
પ્રશાસન દ્વારા સુચના આપવામાં આવી છે કે, વાસોણા, દપાડા, સુરંગી, ખાનવેલ, વેલુગામ રૂટના વાહનોને તલાસરી થઈ ખાનવેલ તરફ વાળવામાં આવે, જ્યારે સેલવાસ તરફ આવવા માટે પ્રવેશતા તમામ ભારે અને વ્યાપારી વાહનો રાબેતા મુજબ ભીલાડથી સેલવાસ તરફ આવશે. તમામ પ્રકારના પેસેન્જર અને લાઈટ મોટર વ્હીકલને આ પુલ પરથી પસાર થવા દેવામાં આવનાર હોવાનું દાનહ જિલ્લામેજીસ્ટ્રેટની એક અખબારી યાદીમાં જણાવાયું છે.