નરોલી ખાતેની નવનિર્મિત પૃથ્વીરાજ ચૌહાણ સરકારી શાળાનું પ્રશાસકશ્રીના હસ્તે કરાયેલું ઉદ્ઘાટન : શાળાના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વર્ગખંડમાં પ્રિ-પ્રાઈમરી અને પહેલાં ધોરણમાં કુલ 297 વિદ્યાર્થીઓને ઢોલ-નગારાના નાદ સાથે તિલક કરી કરાવેલો પ્રવેશ
સંઘપ્રદેશમાં ઉચ્ચ શિક્ષણના લગભગ તમામ અભ્યાસક્રમો ઉપલબ્ધઃ હવે પ્રદેશના બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે બહાર જવાની જરૂરીયાત રહીનથીઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ
પ્રશાસકશ્રીને વધાવવા પ્રવેશોત્સવમાં ઉમટેલું સમગ્ર નરોલી ગામ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19 : સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આયોજીત શાળા પ્રવેશોત્સવ મહોત્સવ અંતર્ગત પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે બુધવારે દાદરા નગર હવેલી જિલ્લાના નરોલી ખાતેની પૃથ્વીરાજ ચૌહાણ સરકારી શાળામાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી શાળાનું પ્રથમ પગથિયું ચડતા પ્રિ-પ્રાઈમરી અને પહેલા ધોરણમાં પ્રવેશ લઈ રહેલા કુલ 297 નાના ભૂલકાંઓને તિલક કરીને આદર-સત્કાર સાથે હસતા-રમતા અને ઢોલ-નગારાના નાદ સાથે વર્ગખંડમાં પ્રવેશ કરાવ્યો હતો.
દાદરા નગર હવેલી જિલ્લામાં કુલ 82 કેન્દ્રોમાં શાળા પ્રવેશોત્સવના માધ્યમથી ધોરણ 1માં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં 4072 બાળકો અને પ્રિ-પ્રાઈમરી વર્ગમાં 5259 બાળકોને વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો છે.
દાનહ જિલ્લાના શાળા પ્રવેશોત્સવ મહોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, પહેલાં ઉચ્ચ શિક્ષણ માટે સંઘપ્રદેશની બહાર જવા પડતું હતું, પરંતુ હવે એન્જિનિયરીંગ, મેડિકલ, લૉ, નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ ફેશન ટેક્નોલોજી, નર્સિંગ, પેરામેડિકલ વગેરે સહિતનાતમામ પ્રકારના ઉચ્ચ શિક્ષણ માટેની સુવિધા સંઘપ્રદેશમાં ઉપલબ્ધ છે.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ધોરણ-12 પાસ કર્યા બાદ ઉચ્ચ શિક્ષણ (વ્યાવસાયિક) પ્રાપ્ત કરનાર સંઘપ્રદેશની ડોમિસાઈલ કન્યા વિદ્યાર્થીનીઓને માતા-પિતાની વયમર્યાદાને ધ્યાનમાં રાખી ફીના 100 ટકા અને 50 ટકા નાણાંકીય સહાયતા ‘સરસ્વતી વિદ્યા યોજના’ અંતર્ગત આપવામાં આવે છે. પ્રશાસકશ્રીએ ગત વર્ષની તુલનામાં આ વર્ષે ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 અને 12માં સરકારી શાળાઓનું પરિણામ ઉત્કૃષ્ટ રહેવા બદલ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા અને વાલીઓને જણાવ્યું હતું કે, તેમના ઘરે શુભ અવસરો નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરાવવું જોઈએ.
પ્રશાસકશ્રીએ જણાવ્યું હતું કે, પ્રશાસન દ્વારા દાનરા નગર હવેલી જિલ્લામાં આ વર્ષે 12 નવી શાળાઓનું નિર્માણ કરવામાં આવનાર છે, સંઘપ્રદેશની તમામ સરકારી શાળાઓમાં ધોરણ 6 થી 12માં સ્માર્ટ ક્લાસરૂમ બનાવવામાં આવ્યા છે. શૈક્ષણિક વર્ષ 2024-25માં દિવાળી સુધી સંઘપ્રદેશમાં તમામ સરકારી શાળાઓમાં લાઈબ્રેરી/રીડિંગ કોર્નરનું નિર્માણ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, સંઘપ્રદેશમાં ‘અક્ષયપાત્ર’ દ્વારા બનાવવામાં આવતું ભોજન તમામ સરકારી અનેગ્રાન્ટ ઈન એઈડ શાળાઓના ધોરણ 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. સંઘપ્રદેશના ત્રણેય જિલ્લાની શાળાઓની વિદ્યાર્થીનીઓની માતાઓને ‘અક્ષયપાત્ર’ના રસોઈઘરની મુલાકાત કરાવવા પ્રશાસકશ્રીએ અધિકારીઓને સૂચના આપી હતી.
આજના દાનહ જિલ્લાના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના અવસરે નરોલી ખાતે નવનિર્મિત આલીશાન પૃથ્વીરાજ ચૌહાણ સરકારી શાળાનું સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. આ માટે તમામ નરોલીવાસીઓએ પ્રશાસકશ્રીનો હૃદયથી આભાર માન્યો હતો.
આ અવસરે વિદ્યાર્થીઓને શાળા ગણવેશ, સ્કૂલ બેગ, નોટબૂક, બુટ-મોજાં, કંપાસબોક્સ સહિતની શૈક્ષણિક સામગ્રીનું પ્રશાસકશ્રીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. ધોરણ 1 થી 10ના ટોપર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, પુરસ્કાર અને અભિનંદન આપી સન્માનિત કરાયા હતા.
કાર્યક્રમના અંતમાં શાળામાં તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રશાસકશ્રીના સલાહકાર અને સંઘપ્રદેશના શિક્ષણ સચિવનીશ્રી ઉપસ્થિતિમાં શાળાના આચાર્ય અને શિક્ષકોની સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના આચાર્ય અને શિક્ષકોને ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં આવ વર્ષ કરતા આવતા વર્ષે વધુ સારૂં પરિણામ હાંસલ કરવાના પ્રયાસકરવા સલાહ આપી હતી.
આ આ પ્રસંગે દાનહ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી દામજીભાઈ કુરાડા, સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રજનીબેન શેટ્ટી, દાનહ જિલ્લા કલેક્ટર શ્રી પ્રિયાંક કિશોર, શિક્ષણ નિર્દેશક અને વરિષ્ઠ અધિકારીઓ સાથે નરોલી ગ્રામ પંચાયતના સરપંચ સહિત મોટી સંખ્યામાં વાલીઓ, ગ્રામજનો અને વિદ્યાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

