યુવાઓ ઓલમ્પિક અને એશિયાઈ રમતો જેવી વૈશ્વિક સ્પર્ધાઓમાં ભારતને વધુમાં વધુ પદક અપાવી શકે તે હેતુથી ઉભરતી પ્રતિભાઓની ઓળખ કરીને તેમને યોગ્ય અવસર આપવામાં આવશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.30 : ભારતમાં રમત-ગમત ક્ષેત્રના વિકાસ માટે સરકાર દ્વારા વિવિધ પગલાંઓ ભરવામાં આવ્યા છે. જેની કડીમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમત-ગમત મંત્રી દ્વારા ચંદીગઢમાં અનોખા ખેલો ઈન્ડિયા રાઈઝિંગ ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન (કીર્તિ) કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય રમત-ગમત સંસ્કૃતિનું નિર્માણ કરવાનો અને પ્રતિભાનું એક જૂથ બનાવવાનો છે, જે ઓલમ્પિક અને એશિયાઈ રમતો જેવી વૈશ્વિક સ્પર્ધાઓમાં ભારતને વધુમાં વધુ પદક અપાવી શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રમત-ગમત અને યુવા બાબતોના વિભાગના સ્વામી વિવેકાનંદ ક્રિકેટ ગ્રાઉન્ડને કીર્તિ કાર્યક્રમ અંતર્ગત ટેલેન્ટ(પ્રતિભા)નું મૂલ્યાંકન કેન્દ્રના રૂપમાં પસંદ કરવામાં આવ્યું છે. જેના હેઠળ 13 જૂનથી 19 જૂન, 2024 સુધી સ્વામી વિવેકાનંદ ક્રિકેટ ગ્રાઉન્ડ પર 09 વર્ષથી 18 વર્ષ સુધીનાબાળકો માટે રમત-ગમત પ્રતિભા મૂલ્યાંકન અભિયાન આયોજીત કરવામાં આવશે. જેમાં પાંચ રમતો ક્રમશઃ એથ્લેટિક્સ (13 જૂન), ફૂટબોલ (14 જૂન), ખો-ખો (15 જૂન), કબડ્ડી (18 જૂન) અને વોલીબોલ (19 જૂન)ના રોજ પ્રતિભાશી યુવાઓનું બે ચરણોમાં એટલે કે સામાન્ય શારીરિક પેરામીટર અને રમતગમત-વિશિષ્ટ મૂલ્યાંકન કરવામાં આવશે. વિવિધ રમત-ગમતોની વિશિષ્ટ જરૂરિયાતો મુજબ રમત-ગમત પ્રદર્શનની ઓળખ બાદ ઊંડું મૂલ્યાંકન કરવામાં આવશે અને ત્યારબાદ એથ્લીટોને એક વ્યાપક કીર્તિ રિપોર્ટ કાર્ડ આપવામાં આવશે. પ્રતિભા મૂલ્યાંકન કેન્દ્ર (સીએસી) ખાતે ઓળખ કરવામાં આવેલ એથ્લીટો ઉપસ્થિત વિશિષે રમત-ગમત કેડર જેમ કે, ખેલો ઈન્ડિયા એથ્લીટ (કેઆઈએ) અને ટોપ્સ એથ્લીટો માટે ફીડર કેડરના રૂપમાં કામ કરશે.
પ્રોજેક્ટ કીર્તિ, યુવા બાબતો અને રમત-ગમત મંત્રાલયની એક પહેલ છે જેનો ઉદ્દેશ્ય રમત-ગમત પ્રતિભાની શોધને પ્રાથમિકતા આપવાની અને ઉભરતી પ્રતિભાઓની ઓળખ કરીને તેમને યોગ્ય અવસર આપવાનો છે.
સંઘપ્રદેશ પ્રશાસન તમામ ખેલાડીઓને અપીલ કરે છે કે નાની દમણમાં સ્વામી વિવેકાનંદ ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાનારા પ્રતિભા મૂલ્યાંકન કાર્યક્રમમાં પ્રદેશના યુવાઓ અને ખેલાડીઓ વધુમાં વધુ સંખ્યામાં ભાગ લે અને રમત-ગમતના ક્ષેત્રમાં મળી રહેલી સુવિધાઓનોલાભ ઉઠાવીને પોતાનું અને પોતાના પ્રદેશનું નામ રોશન કરે. વધુ જાણકારી માટે 7572870288 નંબર ઉપર સપર્ક કરે.