January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતનવસારી

નવસારી કૃષિ યુનિવર્સિટીનો 17મો પદવીદાન સમારોહ સંપન્ન

આત્‍મનિર્ભર ભારતનાં નિર્માણ માટે કૃષિ વૈજ્ઞાનિકો પ્રાકૃતિક કૃષિક્ષેત્રે નૂતન ઈનોવેશન-સંશોધનો કરી કૃષિ સમૃદ્વિનો નવો માર્ગ કંડારે : રાજ્‍યપાલ

નવસારી કૃષિ યુનિવર્સિટીના 17મા દીક્ષાંત સમારોહમાં પદવીધારક યુવાઓને માર્ગદર્શન આપતાં રાજ્‍યપાલ આચાર્ય દેવ વ્રતના હસ્તે 22 તેજસ્‍વી વિદ્યાર્થીઓને 34 સુવર્ણચંદ્રકો અને 649 વિદ્યાર્થીઓને સ્‍નાતક-અનુસ્‍નાતકની પદવીઓ એનાયત કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવસારી, તા.08
નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે સત્તરમો પદવીદાન સમારોહ યુનિવર્સિટીના સેન્‍ટ્રલ એક્‍ઝમીનેશન હોલ ખાતે ગુજરાત રાજયના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતની અધ્‍યક્ષતામાં વર્ચુઅલ માધ્‍યમથી યોજાયો હતો. તેમનીસાથે ગુજરાત રાજ્‍યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ પણ જોડાયા હતાં.
ગુજરાતના રાજ્‍યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે નવસારી કૃષિ યુનિવર્સિટીના 17મા દીક્ષાંત સમારોહમાં પદવીધારક યુવાઓને શુભકામના પાઠવી સમર્થ અને સશક્‍ત રાષ્‍ટ્રનાં નિર્માણમાં સહયોગી બનવા અનુરોધ કર્યો હતો. રાજ્‍યપાલશ્રીએ કૃષિ વૈજ્ઞાનિકોને આહ્‌વાન કરતાં જણાવ્‍યું હતું કે, ‘આત્‍મનિર્ભર ભારત’ના નિર્માણ માટે કૃષિ વૈજ્ઞાનિકો પ્રાકૃતિક કૃષિક્ષેત્રે નૂતન ઇનોવેશન-સંશોધનો કરી, કૃષિ સમૃદ્વિનો નવો માર્ગ કંડારે.
રાજ્‍યપાલશ્રીએ જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સબળ નેતૃત્‍વમાં ‘આત્‍મનિર્ભર ભારત’ના નિર્માણ માટે હર ક્ષેત્રમાં વિકાસલક્ષી પરિવર્તન આવી રહ્યું છે ત્‍યારે કૃષિ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે સમયની માંગ અને પડકારોને મૂલવી પરિવર્તન માટે સજજ થવું પડશે. તેમણે જણાવ્‍યું હતું કે, સ્‍વતંત્રતા બાદ ખાદ્યાન્‍ન ક્ષેત્રે આત્‍મનિર્ભરતા માટે રાસાયણિક કૃષિ દ્વારા હરિત-ક્રાંતિ સમયની માંગ હતી. કૃષિ વૈજ્ઞાનિકોએ આ માટે અથાક પ્રયાસો પણ કર્યા, પરંતુ હવે રાસાયણિક કૃષિના દુષ્‍પરિણામો સામે આવી રહ્યાં છે. રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓના અંધાધુંધ ઉપયોગથી જળ, જમીન અને પર્યાવરણ પ્રદુષિત થઈ રહ્યા છે. જમીનની ફળદ્રુપતા ઘટી રહીછે. કૃષિ ખર્ચ સતત વધી રહ્યો છે અને ઉત્‍પાદન ઘટતું રહ્યું છે. જેના કારણે ખેડૂતોની આર્થિક સ્‍થિતિ કથળી રહી છે. ખેતી અને ખેડૂતની સમૃદ્વિ માટે રાસાયણિક કૃષિના વિકલ્‍પને શોધવો આજના સમયની માંગ છે, ત્‍યારે પ્રાકૃતિક કૃષિ પધ્‍ધતિ રાસાયણિક કૃષિના મજબૂત વિકલ્‍પ તરીકે અપનાવવાથી કૃષિક્ષેત્રે નવી ક્રાંતિ આવશે.
પ્રાકૃતિક કૃષિ પધ્‍ધતિથી જમીનમાં મિત્રજીવોની સતત વૃધ્‍ધિ થાય છે તેનું માર્ગદર્શન આપતાં રાજ્‍યપાલશ્રીએ જણાવ્‍યું હતું કે, દેશી ગાયના છાણ અને ગૌમૂત્રથી બનતાં જીવામૃત- ઘન જીવામૃતના ઉપયોગથી અળસિયા જેવા મિત્રજીવો અને સૂક્ષ્મ જીવાણુંઓની વૃધ્‍ધિ થાય છે અને સરવાળે જમીનમાં આોર્ગેનિક કાર્બનની માત્રામાં વધારો થતાં જમીનની ફળદ્રુપતા વધે છે. રાજ્‍યપાલશ્રીએ જણાવ્‍યું હતું કે, ઓર્ગેનિક કૃષિ અર્થાત જૈવિક કૃષિમાં કૃષિ ખર્ચ ઘટતો નથી અને ઉત્‍પાદનમાં નોંધપાત્ર વધારો થતો નથી. જ્‍યારે પ્રાકૃતિક કૃષિ યોગ્‍ય પધ્‍ધતિથી કરવામાં આવે તો ઉત્‍પાદનમાં ઘટાડો થતો નથી.
ગુજરાતમાં બે લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયાં છે તેનો ઉલ્લેખ કરી રાજ્‍યપાલશ્રીએ જણાવ્‍યું હતું કે, રાજ્‍ય સરકારની પ્રોત્‍સાહક નીતિને કારણે ગુજરાતના પ્રાકૃતિક કૃષિ જન આંદોલનને નવું બળ મળ્‍યું છે. ડાંગ જિલ્લો સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિસંપન્‍ન જિલ્લો જાહેર થવાના કારણે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા નવી પ્રેરણા મળી છે.
રાજ્‍યપાલશ્રી આચાર્ય દેવ વ્રતએ આ પ્રસંગે પદવીદાન પ્રાપ્‍ત કરનારા યુવા વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી રાષ્‍ટ્ર અને સમાજનાં કલ્‍યાણ માટે પ્રવૃત્ત થવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે અમદાવાદ જિલ્લા સહકારી બેન્‍ક દ્વારા આયોજીત જિલ્‍લાના ત્રણ તાલુકાના પ્રગતિશીલ ખેડૂતો માટેની પ્રાકૃતિક કૃષિ તાલીમ શિબિરમાં ઉપસ્‍થિત ખેડૂતો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતાં અને માર્ગદર્શન મેળવ્‍યું હતું. રાજ્‍યપાલશ્રીએ પ્રગતિશીલ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવી અન્‍ય ખેડૂતોને પણ પ્રેરિત કરવા અનુરોધ કર્યો હતો.
કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, ઉદ્યમી જગતના તાતની આવક વધે તથા કળષિક્ષેત્રે સંશોધનને પ્રોત્‍સાહન મળે તે માટે રાજ્‍ય સરકાર પગલાં લઈ રહી છે. પ્રધાનમંત્રીશ્રીના ‘આત્‍મનિર્ભર ભારત’ના સ્‍વપ્નને સાકાર કરવા ગુજરાત પ્રતિબદ્ધ બન્‍યું છે. ‘આત્‍મનિર્ભર ભારત’ માટે કળષિ અને કળષિકારો આત્‍મનિર્ભર બને તે જરૂરી છે. સરકાર દ્વારા કૃષિકારોના કલ્‍યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલી છે. ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રાસાયણિક ખાતર મુક્‍ત કૃષિ ઉપજ પેદા કરવા કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે અનુરોધ કર્યો હતો.
આ અવસરે અસ્‍પી કૃષિ સંશોધન અનેવિકાસ ફાઉન્‍ડેશન, મુંબઈના સંયુક્‍તત મેનેજીંગ ડાયરેકટરશ્રી કિરણભાઈ પટેલે વિદ્યાર્થીઓને પોતાનામાં રહેલી શક્‍તિ સામર્થ્‍યનો શ્રેષ્‍ઠ ઉપયોગ કરવા અને લક્ષ્ય પ્રાપ્‍તિ માટે સતત પુરૂષાર્થ કરવા અનુરોધ કરી વિદ્યાર્થીઓને ઉદ્યોગ-સાહસિક બનવા પ્રેરણા આપી હતી.
પ્રારંભમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઝેડ.પી.પટેલે સ્‍વાગત પ્રવચન કરી યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવેલ વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યવાહીની ઝાંખી કરાવી નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા દાંડી ખાતે યોજાયેલી ત્રિ-દિવસીય પ્રાકૃતિક ખેતીની કાર્યશાળાનો ઉલ્લેખ કર્યો હતો.
ડૉ. પટેલે સ્‍નાતક-અનુસ્‍નાતકની પદવી પ્રાપ્‍ત કરનાર વિદ્યાર્થીઓને તેમનું ભાવિ ઉજ્જવળ બને તેવી શુભેચ્‍છાઓ પાઠવી કૃષિ ક્ષેત્રેના વર્તમાન અને ભાવિ પડકારોને પહોંચી વળવા નિર્ધારીત લક્ષ્યાંકો હાંસલ કરવાની સાથે પોતાનું ઉત્તરદાયિત્‍વ નિભાવવા શીખ આપી હતી.
ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે નવસારી કૃષિ યુનિવર્સિટીના વાર્ષિક વહીવટી અહેવાલ અને ખેડૂતો માટે ઉપયોગી એવી સંશોધન ભલામણો-2021ની પુસ્‍તિકાઓનું વિમોચન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે અસ્‍પી કૃષિ સંશોધન અને વિકાસ ફાઉન્‍ડેશન, મુંબઈના સંયુક્‍ત મેનેજીંગ ડાયરેકટરશ્રી કિરણભાઈ પટેલ, અને નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઝેડ.પી. પટેલના હસ્‍તે 22 તેજસ્‍વી વિદ્યાર્થીઓને કુલ-34 સુવર્ણચંદ્રકો એનાયત કરવામાં આવ્‍યા હતા. તેમજ નવસારી કૃષિ યુનિવર્સિટીના સંલગ્ન કોલેજના પ્રોફેસરશ્રીઓને બેસ્‍ટ ટીચર તરીકેના એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
અંતમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના રજિસ્‍ટ્રાર શ્રી એચ.વી.પંડયાએ આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે રાજ્‍યની વિવિધ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ વિવિધ ફેકલ્‍ટીઓના વડાશ્રીઓ, પ્રાધ્‍યાપકશ્રીઓ, વૈજ્ઞાનિકો, સુવર્ણચંદ્રક વિજેતા વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી ગુંજનમાં સોશિયલ મીડિયામાં સસ્‍તી પ્રસિધ્‍ધિ મેળવવા કારના બોનેટ પર કરેલો સ્‍ટંટ બે યુવકને ભારે પડયો

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં મોટી દમણ કોસ્‍ટલ પોલીસ દ્વારા નવા કાયદાઓની જાણકારી માટે યોજાયો કાર્યક્રમ

vartmanpravah

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂ.28.59 કરોડના ખર્ચે બનેલા ડુંગરી રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ

vartmanpravah

બાળકોના સર્વાંગી વિકાસ માટે ધરમપુર લેડી વિલ્‍સન મ્‍યુઝિયમમાં ફનવે સન્‍ડે કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ રામવાડીમાં વિચિત્ર ચોરી : ધોળે દિવસે તસ્‍કરો ફલેટ ખરીદ્યો હોવાનું જણાવી ઘરનો સામાન ટેમ્‍પામાં ભરી ગયા

vartmanpravah

સેલવાસ ન.પા.ના સભાખંડમાં ‘હિન્‍દી પખવાડા’ અંતર્ગત હિન્‍દી વક્‍તૃત્‍વ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment