ગર્લ્સ અંડર-17માં દમણ અને દીવની મેચ ડ્રો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.03 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના યુવા કાર્યક્રમ અને રમત-ગમત વિભાગ, દમણ દ્વારા રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લેવા પસંદગી માટે યુવા કાર્યક્રમ અને રમત-ગમત વિભાગના સચિવ ડો. અરૂણ ટી.ના માર્ગદર્શનમાં અને યુવા કાર્યક્રમ અને રમત-ગમત વિભાગના નિર્દેશક શ્રી અરૂણ ગુપ્તાના સહયોગથી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ જિલ્લા સ્તરે વિજેતા બનેલ ટીમો જેમાં બોયઝ અંડર-17 અને અંડર-17 તેમજ ગર્લ્સ સ્કૂલ ફૂટબોલ સ્પર્ધા માટે સંઘપ્રદેશ સ્તરીય પ્રી-સુબ્રોતો મુખરજી કપ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન 1લી જુલાઈથી 4 જુલાઈ, 2024 સુધી મોટી દમણ ફૂટબોલગ્રાઉન્ડ પર કરવામાં આવી રહ્યું છે.
અત્રે યાદ રહે કે, સુબ્રોતો મુખરજી કપ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન ભારતના વાયુસેના અધ્યક્ષ શ્રી સુબ્રોતો મુખરજીની યાદમાં સુબ્રોતો મુખરજી સ્પોર્ટ્સ સોસાયટી દ્વારા દર વર્ષે કરવામાં આવે છે.
આજે ત્રીજા દિવસે બોયઝ અંડર-15માં દમણ અને દીવ વચ્ચે રમાઈ હતી જેમાં દમણે દીવને 5-1થી હાર આપી હતી. જેમાં દમણ તરફથી અમર ગુરાંગે 3, ભવાની સિંગ અને અદિત્યા રંજને 1-1 ગોલ કર્યો હતો. જ્યારે દીવ તરફથી અંશ કુમારે 1 ગોલ ફટકાર્યો હતો.
અંડર-17 બોયઝમાં પણ દમણે દીવ વિરૂદ્ધ 2-0થી જીત મેળવી હતી. જેમાં દમણ તરફથી રમતા દીવેશ હળપતિએ શાનદાર 2 ગોલ ફટકાર્યા હતા અને પોતાની ટીમને વિજય અપાવવા મહત્વનો ફાળો આપ્યો હતો.
ગર્લ્સ અંડર-17માં દમણ અને દીવ વચ્ચે રમાઈ હતી જેમાં બંને ટીમ તરફથી એક પણ ગોલ નહીં પડતાં મેચ ડ્રો થઈ હતી. જેથી બંને ટીમને એક-એક પોઈંટ આપવામાં આવ્યા હતા.
સંઘપ્રદેશ સ્તરીય પ્રી-સુબ્રોતો ટુર્નામેન્ટમાં વિજેતા ટીમ બોયઝ અંડર-15માં જ્ઞાનમાતા સ્કૂલ ખાનવેલ, બોયઝ અંડર-17માં સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર સ્કૂલ દૂધની અને ગર્લ્સ અંડર-17માં કોસ્ટગાર્ડ પબ્લિક સ્કૂલ દમણની ટીમ આગામી દિવસોમાં દિલ્હી અને બેંગ્લુરૂ ખાતે યોજાનારી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવનું પ્રતિનિધિત્વ કરશે.
સંઘપ્રદેશ સ્તરીય પ્રી-સુબ્રોતો મુખરજી કપ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં આજની વિજેતા અને ઉપવિજેતા ટીમોને યુવા કાર્યક્રમ અને રમત-ગમત વિભાગના અધિકારી શ્રી અક્ષય કોટલવાર, તાલુકા ખેલ સંયોજક શ્રી દેવરાજ સિંહ રાઠોડ, શ્રી મહેશ પટેલે મેડલ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરી હતી.