પાલિકા દ્વારા ખોદેલ ખાડો અકસ્માત આમંત્રી રહ્યો છે :
કિચડના કારણે ચાર થી પાંચ ટુ વ્હિલર સ્લીપ ખાઈ ગયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.05: વાપી નૂતનનગર મેઈન રોડ ક્રિષ્ણા વિહાર બિલ્ડીંગના પાછળના ભાગે પાલિકા દ્વારા તોતિંગ ખાડો ખોદવામાં આવ્યો છે. ખાડો ખોદયા બાદ પાલિકા વિસરાઈ ગઈ હોય તેવુ જણાઈ રહ્યું છે તેથી આ ખાડો હવે આફતનો ખાડો બની ગયો છે. આ ખાડો ખોદ્યા બાદ કીચડ થતાં ચાર થી પાંચ ટુ વ્હિલર સ્લીપ ખાઈ ગયા હતા.
વાપી નૂતન નગર મેઈન રોડ ઉપર પાલિકા દ્વારા ડ્રેનેજ લાઈન સમારકામ માટે એક તોતિંગ ખાડો ક્રિષ્ણા વિહાર બિલ્ડીંગના પાછળના ગેટ ઉપર ખોદવામાં આવ્યો છે. આ ખાડો જાહેર રોડની લગોલગ હોવાથી અકસ્માતોને આમંત્રી રહ્યો છે.તેમાં પણ રાત્રીના સમયે તો જો વાહન ચાલક બેધ્યાન જરા પણ થાય તો ખાડામાં પટકાય તેવી નાજુક સ્થિતિ ખાડા થકી ઉભી થવા પામી છે. ખાડાના ખોદકામથી આજુબાજુના ત્રણ થી ચાર બિલ્ડીંગોમાં પાણી પુરવઠો બંધ થઈ ગયો છે. આ ખાડાની સૌથી મોટી હાલાકી ક્રિષ્ણા વિહાર બિલ્ડીંગમાં રહેતા રહીશોના માથે આવી પડી છે. સોસાયટીના દરવાજા આગળ જ ખાડો હોવાથી ચાર થી પાંચ ટુવ્હિલર સ્લીપ ખાઈ ગયા છે કારણ કે ચોમાસાને લઈને કાદવ કિચ્ચડ થઈ ગયો છે. નગરપાલિકાની અક્ષમ્ય બેદરકારીને લઈને સ્થાનિક નૂતનનગર વિસ્તારના રહીશોમાં રોષ સાતમા આસમાને જોવા મળી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાલિકા તંત્ર દ્વારા દર વર્ષે આ રીતે ચોમાસા દરમિયાન જ ખાડાઓ ખોદવામાં આવી રહ્યા છે અને કામ સમયસર પૂર્ણ નહીં કરાતા રસ્તાઓ ઉબડ-ખાબડ બની જતા વાહન ચાલકો અને રાહદારીઓને આખા ચોમાસા દરમિયાન ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. હજુ થોડા દિવસ અગાઉ જ આ રોડ ઉપર જ પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા અઠવાડીયા સુધી કામ ચાલ્યું હતું ત્યારે પણ આ રોડ કાદવ-કિચડવાળો બની જતા આ વિસ્તારની સોસાયટીઓના રહિશોને ભારે હાલાકીનો સામાનો કરવો પડયો હતો.